Bhavnagar Ex Mayor Bharat Barad: આજકાલના સમયમાં રાજકારણમાં પ્રવેશ્યા પછી એક નાનકડો હોદ્દો મળી જાય તો પણ નેતાઓના પગ જમીન પર રહેતા નથી. સત્તા મળતા જ ગાડીઓ, બંગલા અને આર્થિક સ્થિતિ બદલાઈ જવી એ રાજકારણમાં સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ, ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર ભરત બારડ આ તમામ વાતોમાં એક પ્રેરણાદાયી અપવાદ સાબિત થયા છે. અઢી વર્ષ સુધી શહેરના પ્રથમ નાગરિક (મેયર) તરીકે સેવા આપ્યા બાદ, પોતાની ટર્મ પૂરી થતાં જ ભરતભાઈ સત્તાનો કોઈ પણ અહંકાર રાખ્યા વિના ફરીથી પોતાના જૂના ફેબ્રિકેશન અને વેલ્ડિંગના વ્યવસાયમાં વળગી ગયા છે.
Ex Mayor Bharat Barad: ફરી હાથમાં પકડ્યું વેલ્ડિંગ મશીન
મેયર પદની ટર્મ પૂર્ણ થતાની સાથે જ ભરતભાઈએ કોઈ જ દેખાડા કે આડંબર વગર ભાવનગરના વડવા વિસ્તારમાં આવેલી પોતાની નાનકડી વેલ્ડિંગની કેબિન ફરીથી ખોલી દીધી છે. આજે તેઓ ત્યાં એક સામાન્ય કારીગરની જેમ લોખંડ કાપતા અને વેલ્ડિંગ કરતા જોવા મળે છે. તેમના આ સાદગીભર્યા અભિગમની સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે, “સત્તા તો આવે અને જાય, પરંતુ માણસાઈ અને પોતાની જમીન સાથે જોડાયેલા રહેવું એ જ સાચી સફળતા છે.”
‘પાર્ટીએ સામાન્ય માણસને મેયર બનાવ્યો’
પૂર્વ મેયર ભરતભાઈ બારડે જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપીને મેયર બનાવ્યો. જ્યાં સુધી મારી મુદ્દત હતી, ત્યાં સુધી મેં પૂરી ઈમાનદારી અને વફાદારીથી લોકોની સેવા કરી. મારા કાર્યકાળ દરમિયાન મેં નાનામાં નાના માણસને સાંભળ્યો છે અને શહેરના રસ્તા, લાઈટ, પાણી અને ગટરના પ્રશ્નો ઉકેલવા પૂરતો પ્રયાસ કર્યો છે.”
પોતાના વ્યવસાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, જ્યારે હું મેયર હતો ત્યારે મારો દીકરો આ ધંધો સંભાળતો હતો. હવે હું નિવૃત્ત થઈ ગયો છું, એટલે તેને વેલ્ડિંગ, પાઈપ કટિંગ અને ફ્રેમિંગના કામમાં મદદ કરવા આવું છું.
અઢી વર્ષ મેયર રહ્યા છતાં પોતાનું ઘર પણ નથી!
રાજકારણમાં રહીને કરોડોની સંપત્તિ બનાવનારા નેતાઓ માટે ભરત બારડનો આ કિસ્સો એક મોટી શીખ સમાન છે. અઢી વર્ષ સુધી મેયર જેવા ઉચ્ચ પદ પર રહ્યા હોવા છતાં, આશ્ચર્યની વાત એ છે કે આજે પણ ભરતભાઈ પાસે પોતાની માલિકીનું કોઈ ઘર નથી! તેઓ આજે પણ ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં જ રહે છે અને તેમનો વેલ્ડિંગનો વ્યવસાય પણ એક નાનકડી કેબિનમાં જ ચાલે છે. લોકસેવા એ જવાબદારી છે, કમાણીનો ધંધો નહીં, તે વાત તેમણે પોતાના આચરણથી સાબિત કરી છે.
ટિકિટ બાબતે શું છે આશા?
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ મળવા અંગે પૂછવામાં આવતા 60 વર્ષ વટાવી ચૂકેલા ભરત બારડે એકદમ સ્પષ્ટતાથી કહ્યું કે, “ભાજપમાં 60 વર્ષથી ઉપરના ઉમેદવારોને ટિકિટ ન આપવાનો નિયમ છે, પણ મને આશા છે કે કદાચ પાર્ટી અપવાદરૂપ કિસ્સા તરીકે મને ટિકિટ આપે. જોકે, ટિકિટ નહીં મળે તો પણ મને કોઈ જ દુઃખ નહીં થાય. હું આજીવન પાર્ટીનો કાર્યકર્તા રહીશ અને લોકોની સેવા કરતો રહીશ.”
આ પણ વાંચો: ભાવનગરના વાળુકડ ગામે યુવાનની કરપીણ હત્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર
આ પણ વાંચો: ભાવનગરના વાળુકડ ગામે યુવાનની કરપીણ હત્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર
આ પણ વાંચો: ભાવનગરના હિમાલયા મોલમાં હંગામો, ફિલ્મ ટિકિટ મુદ્દે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

