Bhavnagar News: જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુકડ ગામે ગત રાત્રે (28 માર્ચ) એક 29 વર્ષીય યુવાનની કરપીણ હત્યા (Murder) થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખ્સોએ યુવાન પર અચાનક હુમલો કરી તેને છરીના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
મૃતકની ઓળખ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા (ઉ.વ. 29) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરોએ યુવકના પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેનું મોત નીપજ્યું હતું.

Murderની ઘટના સમયે હુમલો, વીડિયો થયો વાયરલ
મળતી માહિતી મુજબ, ઘટનાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે સમગ્ર બનાવ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે રસ્તા વચ્ચે યુવકની મોપેડ પડી છે અને ત્રણ અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયારો વડે યુવક પર હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિ યુવકને બચાવવાનો પ્રયાસ કરે છે, છતાં હુમલાખોરો રોકાયા વગર સતત ઘા મારતા રહે છે. બાદમાં ત્રણેય આરોપીઓ મોપેડ પર સવાર થઈ સ્થળ પરથી ફરાર થઈ જાય છે.

પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ ASP ઘનશ્યામ ગૌતમ, સીટી Dy.SP તેમજ વરતેજ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતકના મૃતદેહને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
હત્યાનું કારણ અસ્પષ્ટ, તપાસ તેજ
પોલીસે આ મામલે FIR નોંધાવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, “વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
આ પણ વાંચો:ભાવનગર નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધે યુવકનો ભોગ લીધો
આ પણ વાંચો:ભાવનગરના તરસમિયા ગામમાં છરીથી ઘાતક હુમલો, સુરેશ ડાભીની મોડી રાત્રે હત્યા
આ પણ વાંચો:ભાવનગરનો નિર્દય હત્યાકાંડ, પ્રેમ સંબંધનો ભયાનક અંજામ
