Vadodara News: વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં (Bhayli Gangrape Case) આજે મહત્વનો દિવસ છે. 4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે બનેલી આ ઘટનામાં વડોદરાની વિશેષ પોક્સો અદાલતે 20 ઓગસ્ટ, 2026ના રોજ પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. હવે આજે, 31 ઓગસ્ટે, અદાલત દ્વારા પાંચેય દોષિતોને કેટલી સજા કરવામાં આવે છે તેનું એલાન કરવામાં આવશે. સરકાર પક્ષે આરોપીઓને મહત્તમ સજા તરીકે ફાંસી અથવા ફાંસીની સજા યોગ્ય ન જણાય તો જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારવાની રજૂઆત કરી છે.
Bhayli Gangrape Case: નવરાત્રિની રાત્રે બની હતી ઘટના
4 ઓક્ટોબર, 2024ના રોજ નવરાત્રિના બીજા નોરતે વડોદરામાં રહેતી 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ બંને ભાયલી વિસ્તારમાં આવેલા એક નિર્જન સ્થળે બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર પાંચ શખ્સો ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ બંનેને ધમકાવીને તેમની પાસેથી ટુ-વ્હીલરની ચાવી લઈ લીધી હતી. શરૂઆતમાં પરિવારને બોલાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સગીરાએ મદદ માટે બૂમો પાડતાં બે આરોપીઓ (Bhayli Case Verdict) ત્યાંથી જતા રહ્યા હતા, જ્યારે બાકીના ત્રણ આરોપીઓએ સગીરા અને તેના મિત્રને ધમકાવીને સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ઘટના બાદ સગીરા પોલીસ સ્ટેશન પહોંચી
ઘટના બાદ સગીરા અને તેનો મિત્ર ભારે ગભરાયેલી સ્થિતિમાં તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ નિર્જન હોવાથી શરૂઆતમાં આરોપીઓની ઓળખ કરવી પોલીસ માટે મોટો પડકાર બની હતી. ઘટનાસ્થળે CCTV કેમેરા ન હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી. પોલીસે ઘટનાસ્થળથી સંભવિત આરોપીઓના રૂટ સુધીના આશરે 45 કિલોમીટરના વિસ્તારમાં 1100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. આ ઉપરાંત 3 કિલોમીટરના વિસ્તારમાં આવેલા 1000થી વધુ ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 200થી વધુ પોલીસકર્મીઓની ટીમો તપાસમાં જોડાઈ હતી.
સગીરાના મોબાઈલથી પોલીસને મળી મહત્વની કડી
આ કેસની તપાસમાં સગીરાનો મોબાઈલ ફોન પણ મહત્વની કડી બન્યો હતો. ઘટના બાદ આરોપીઓ સગીરાનો મોબાઈલ સાથે લઈ ગયા હતા. રાત્રે આશરે 12:30 વાગ્યે સગીરાની માતાએ તેના ફોન પર કોલ કર્યો હતો. આરોપીઓમાંથી કોઈએ ભૂલથી થોડા સમય માટે ફોન રિસીવ કર્યો હતો. ફોન રિસીવ થયા બાદ પાછળથી સંભળાયેલા અવાજો અને ટેકનિકલ લોકેશનના આધારે પોલીસને તપાસમાં મહત્વની દિશા મળી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ અને આરોપીઓના સંભવિત રૂટ વચ્ચેના મોબાઈલ લોકેશનની તપાસ શરૂ કરી હતી.
4 લાખથી વધુ ફોન લોકેશનની સ્ક્રૂટિની
પોલીસની ટેકનિકલ ટીમે 5થી 6 મોબાઈલ ટાવરના વિસ્તારમાંથી મળેલા 4 લાખથી વધુ ફોન લોકેશનની તપાસ કરી હતી. તેમાંથી આશરે 60 જેટલા શંકાસ્પદ લોકેશન મળી આવ્યા હતા. વધુ તપાસ બાદ 10 જેટલા ફોન લોકેશન આરોપીઓના સંભવિત રૂટ સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. આ તપાસ દરમિયાન સુશેન-તરસાલી રોડ તરફ મળેલા એક શંકાસ્પદ મોબાઈલ લોકેશનની વિગતો મેળવતાં તે મુન્ના બનજારા સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં મુન્નાનું લોકેશન ઘટના સમયે ઘટનાસ્થળની આસપાસ પણ હોવાનું જાણવા મળ્યું હતું.
રજવાડી હોટલનું લોકેશન પણ મહત્વનું બન્યું
પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ ઘટના બાદ રાત્રે આશરે દોઢ વાગ્યાના સમયે રજવાડી હોટલ નજીક રોકાયા હોવાની માહિતી મળી હતી. આ ટેકનિકલ કડીને અન્ય પુરાવાઓ સાથે જોડીને પોલીસે શંકાસ્પદ આરોપીઓની ઓળખ તરફ તપાસ આગળ વધારી હતી.
48 કલાકમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
પોલીસે મળેલી ટેકનિકલ માહિતીના આધારે મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા અને શાહરૂખ બનજારાને ઝડપી લીધા હતા. ત્યારબાદ સૈફઅલી બનજારા અને અજમલ સત્તારની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પાંચેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું અને વર્ષોથી વડોદરામાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. તેઓ તાંદલજા વિસ્તારમાં રહીને મજૂરી તથા POP-કલરનું કામ કરતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ ટીમ મુન્નાના ઘરે પહોંચી ત્યારે તેની માતાએ તે બહારગામ ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસ પાસે રહેલી ટેકનિકલ માહિતી પ્રમાણે તેનું મોબાઈલ લોકેશન આસપાસ જ મળી રહ્યું હતું. વધુ તપાસ કરતાં પોલીસને મુન્ના તેના ઘરથી નજીકના ત્રીજા ઘરમાં સૂતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રાત્રે આશરે એક વાગ્યે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ અન્ય આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી અને મળસ્કે ચાર વાગ્યા સુધીમાં સમગ્ર ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આરોપીઓ ઝડપાયા બાદ ગુનો સાબિત કરવાનો પડકાર
આરોપીઓની ધરપકડ બાદ પોલીસ સામે સૌથી મોટો પડકાર કોર્ટમાં ગુનો સાબિત કરવાનો હતો. આ માટે પોલીસે પીડિતા અને તેના મિત્રના નિવેદનો ઉપરાંત CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ, DNA સંબંધિત પુરાવા અને અન્ય સાક્ષીઓના નિવેદનો એકત્ર કર્યા હતા. પોલીસ અને SIT દ્વારા કેસની દરેક કડીને વૈજ્ઞાનિક તથા દસ્તાવેજી પુરાવાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાના માત્ર 17 દિવસમાં પોલીસે વિશેષ પોક્સો કોર્ટમાં આશરે 6000 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આશરે 100 સાક્ષીઓના નિવેદનો ઉપરાંત FSL અને મેડિકલ રિપોર્ટ, DNA સેમ્પલ, CCTV ફૂટેજ સહિતના વિવિધ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પણ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ખાસ સરકારી વકીલોની નિમણૂક કરી હતી.
ટ્રાયલ દરમિયાન 45 સાક્ષીઓની તપાસ
કોર્ટમાં ચાલેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી 45 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી પક્ષે દલીલ કરી હતી કે તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા સાંયોગિક પુરાવાની તમામ કડીઓ એકબીજા સાથે જોડાય છે અને આરોપીઓની સંડોવણી શંકાથી પર સાબિત થાય છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સગીરાનો મોબાઈલ આરોપીઓ સાથે લઈ ગયા હતા અને બાદમાં પુરાવાનો નાશ કરવાના હેતુથી તેને વિશ્વામિત્રી નદીમાં ફેંકવામાં આવ્યો હતો. મોબાઈલ શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. મોબાઈલ મળી ન આવ્યો હોવા છતાં પોલીસ દ્વારા અન્ય ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કેસની તપાસ આગળ વધારવામાં આવી હતી. આ પુરાવાઓ પણ ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
પાંચેય આરોપીઓને દોષિત ઠેરવાયા
લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 20 ઓગસ્ટ, 2026ના રોજ વડોદરાની વિશેષ પોક્સો અદાલતે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. અદાલતે પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરવામાં આવેલા સાંયોગિક, મેડિકલ, ટેકનિકલ અને અન્ય પુરાવાઓને ધ્યાનમાં લીધા હતા. આ સાથે 4 ઓક્ટોબર, 2024ની ઘટનાથી શરૂ થયેલી તપાસ, ધરપકડ, રિમાન્ડ, ઓળખ પરેડ, ચાર્જશીટ અને ટ્રાયલ બાદ કેસ હવે સજાના તબક્કે પહોંચ્યો છે.
સરકાર પક્ષે ફાંસી અથવા અંતિમ શ્વાસ સુધીની કેદની માગણી
ખાસ સરકારી વકીલ અનિલ દેસાઈએ કોર્ટ સમક્ષ દોષિતોને મહત્તમ સજા આપવા રજૂઆત કરી છે. સરકાર પક્ષે એવી દલીલ કરી છે કે ગુનાની ગંભીરતાને (Vadodara POCSO Court) ધ્યાનમાં રાખીને આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે અને જો અદાલત ફાંસી યોગ્ય ન માને તો જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા (Bhayli Case Punishment) કરવામાં આવે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પ્રોસિક્યુશન દ્વારા સાંયોગિક પુરાવાની તમામ કડીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા પાંચેય આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે.
20 ઓગસ્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ હવે આજે 31 ઓગસ્ટે વડોદરાની વિશેષ પોક્સો કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવશે. લગભગ બે વર્ષથી ચાલી રહેલા આ કેસમાં હવે પાંચેય દોષિતોને કઈ સજા મળે છે તેના પર સૌની નજર છે. નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપનો કેસ, વડોદરા કોર્ટ આજે સજા સંભળાવશે:દોષિતોને ફાંસી અથવા અંતિમ શ્વાસ સુધી કેદની રજૂઆત, 22 મહિના બાદ પીડિતાને ન્યાય મળશે
આ પણ વાંચો: ભાયલી સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચેય આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવાયુ
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણય: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચો: વડોદરા ગેંગરેપમાં ક્રાઇમ બ્રાન્ચે 48 કલાકમાં જ આરોપીઓ ઝડપ્યા, વિધર્મીઓ આરોપીઓ યુપીના
