Top Stories/ ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે લીધા શપથ

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને આનંદીબહેન પટેલના વિશ્વાસુ એવા ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા. 

Top Stories
Bhupendra Patel

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે વિધિવત રીતે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને આનંદીબહેન પટેલના વિશ્વાસુ એવા ભુપેન્દ્ર પટેલે શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા.  બપોરે 2.20 કલાકે તેમની શપથવિધિ યોજાઈ હતી. શપથવિધિમાં  ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ભુપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં.RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે જવા રવાના થયા છે.શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયાં છે. પત્ની,પુત્ર,પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતા.

શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,  હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ,  ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરા, રેલવે વિભાગના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીઓ બી. એલ. સંતોષ, અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ બાદ નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રજાલક્ષી પહેલું કાર્ય

ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

પોસ્ટરો લાગ્યા

ભુપેન્દ્ર પટેલની રવિવારે સાંજે મુખ્યમંત્રીની જાહેરાત થતાં જ રાતોરાત ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપતા પોસ્ટરો લાગી ગયા હતા. સ્થાનિક મંડળો અને ઘાટલોડિયા વિધાનસભા તરફથી ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને અભિનંદન આપતા પોસ્ટરો ઠેરઠેર જોવા મળ્યા હતા. ઘાટલોડિયામાં કે.કે નગર પાટીદાર ચોક, પ્રભાત ચોક, ઘાટલોડિયા ગામ, મેમનગર, સીપી નગર, ગુરુકુલ, નારણપુરા વગેરે જગ્યાએ 100થી વધુ અભિનંદનના પોસ્ટરો મારવામાં આવ્યા છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા

નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, “શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન! આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!”