યુક્રેન પર રશિયાનો હુમલો સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. આ દરમિયાન ઓપરેશન ગંગા હેઠળ, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું મિશન પણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેન કેસમાં બે દિવસમાં આ ચોથી બેઠક હતી.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે પીએમએ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ મોકલવાનો નિર્ણય લીધો છે. બુકારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો ઉપયોગ ભારતીયોને એરલિફ્ટ કરવા માટે કરવામાં આવશે.
શ્રીંગલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રિંગલાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ઝોનમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે.
યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું 8મું વિમાન હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી પહોંચ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મુસાફરોનું સ્વાગત કર્યું હતું. અગાઉ, એર ઈન્ડિયાની 7મી ફ્લાઈટ 182 ભારતીયોને લઈને મુંબઈ પહોંચી હતી. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,836 ભારતીયોને 8 ફ્લાઈટ દ્વારા દેશમાં પરત લાવવામાં આવ્યા છે.
