New Delhi : ભાડાના મકાનમાં રહેતા લાખો લોકો માટે રાહતના સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટ (Delhi High court)ના મહત્વપૂર્ણ ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે મકાનમાલિક ભાડૂઆત (Tenant) પાસેથી લેવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનફાવે તેમ પૈસા કાપી શકશે નહીં. ખાસ કરીને પેઈન્ટિંગ, વ્હાઈટવોશ, સામાન્ય તૂટ-ફૂટ અથવા નિયમિત જાળવણીના ખર્ચના નામે કપાત કરવાનો અધિકાર મર્યાદિત રહેશે.
કોર્ટના જણાવ્યા મુજબ, સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત ત્યારે જ થઈ શકે જ્યારે મકાનને થયેલું નુકસાન સામાન્ય વપરાશ કરતાં વધુ હોય અને તે સીધું ભાડૂઆત (Tenant)ની બેદરકારી અથવા જાણીજોઈને કરાયેલા નુકસાનના કારણે થયું હોવાનું પુરાવા સાથે સાબિત થાય.
સામાન્ય જાળવણીનો ખર્ચ ભાડૂઆત (Tenant)પર નહીં

ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે મકાનમાં રહેવા દરમિયાન થતી સામાન્ય તૂટ-ફૂટ, દીવાલો પરનો કલર ફીકો પડવો, પેઈન્ટિંગ અથવા સામાન્ય રિપેરિંગ જેવી બાબતોને આધારે સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત કરી શકાય નહીં. આવા ખર્ચને નિયમિત જાળવણીનો ભાગ માનવામાં આવે છે, જેની જવાબદારી સામાન્ય રીતે મકાનમાલિકની રહે છે.
પુરાવા રજૂ કરવાનું રહેશે જરૂરી
જો મકાનમાલિક કોઈ નુકસાન બદલ રકમ કાપવા માંગે તો તેને અદાલત અથવા સંબંધિત સત્તા સમક્ષ પૂરતા પુરાવા રજૂ કરવા પડશે. તેમાં રિપેરિંગના બિલ, ઇન્વોઇસ, રસીદો, ફોટોગ્રાફ્સ અને નુકસાનનું સ્પષ્ટ વર્ણન સામેલ હોઈ શકે છે. માત્ર દાવો કરવાથી સિક્યોરિટી ડિપોઝિટમાંથી કપાત કરી શકાશે નહીં.
કેસમાં શું સામે આવ્યું?
આ મામલો મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તા કેસનો છે. મકાનમાલિકે દાવો કર્યો હતો કે ભાડૂઆત (Tenant)મકાન ખાલી કરીને ગયા બાદ મિલકતના રિપેરિંગ અને રિનોવેશન પાછળ આશરે 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, જેમાં ભાડે અપાયેલા બીજા અને ત્રીજા માળ માટે લગભગ 4.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
મકાનમાલિકે પોતાના દાવાના સમર્થનમાં બિલ, રસીદો, ઇન્વોઇસ અને ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા.
કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
ફોટોગ્રાફ્સની તપાસ દરમિયાન કોર્ટે નોંધ્યું કે કેટલીક જગ્યાએ વીજળીના ફિટિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન થયું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ કહી શકાય નહીં. આવા સંજોગોમાં ભાડૂઆત જવાબદાર બની શકે છે અને મકાનમાલિક રિપેરિંગનો વાજબી ખર્ચ વસૂલવાનો હકદાર બની શકે છે.
શું અર્થ કાઢવો?
આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે સિક્યોરિટી ડિપોઝિટ (Security Deposit)મકાનમાલિક માટે મનફાવે તેમ ખર્ચ વસૂલવાનું સાધન નથી. સામાન્ય વપરાશથી થતી તૂટ-ફૂટ માટે ભાડૂઆત પાસેથી વસૂલાત કરી શકાશે નહીં. પરંતુ જો ભાડૂઆતની બેદરકારી અથવા જાણીજોઈને કરાયેલા નુકસાનના પુરાવા હશે તો મકાનમાલિક વાજબી રિપેરિંગ ખર્ચ વસૂલ કરી શકશે.
