Vadodara News: વડોદરાના ઉંડેરા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિંડી (Vadodara Fraud Case)નો મામલો સામે આવ્યો છે, જેમાં ભાડે રહેતા એક વ્યક્તિએ પોતાના મકાનમાલિક અને તેમના પડોશી પરિવારનો વિશ્વાસ જીતીને કુલ ₹38.64 લાખથી વધુની છેતરપિંડી આચર્યાનો આરોપ છે.
Vadodara Fraud Case:વડોદરામાં રિયલ એસ્ટેટના નામે મહાઠગાઈ
મળતી માહિતી અનુસાર, ઉંડેરા રોડ પર આવેલી કૃષ્ણદીપ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા બકુલભાઈ રાઠવાના મકાનમાં વિજય ડામોર નામનો વ્યક્તિ પરિવાર સાથે ભાડે રહેવા આવ્યો હતો. રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જણાવી તેણે મકાનમાલિક અને આસપાસના લોકો સાથે નજીકના સંબંધો કેળવ્યા હતા.
થોડા સમય બાદ આરોપીએ ભાયલી વિસ્તારમાં સસ્તા ભાવે પ્લોટ અપાવી ભવિષ્યમાં મોટો નફો કરાવી આપવાની લાલચ (Vadodara Fraud Case) આપી હતી. વિશ્વાસમાં આવેલા બકુલભાઈને તેણે એક પ્લોટ બતાવી તેની ખરીદી માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્લોટનો સોદો આશરે ₹28 લાખમાં નક્કી કરાયો હોવાનું જણાવાયું હતું.
ફરિયાદ મુજબ, આરોપીએ રોકડ, ચેક અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે અલગ-અલગ હપ્તામાં મોટી રકમ વસૂલ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે જે વ્યક્તિને પ્લોટના માલિક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો તે હકીકતમાં આરોપીનો જ નજીકનો સગો હતો. પ્લોટની ખરીદીના નામે બકુલભાઈ પાસેથી કુલ ₹34.52 લાખ વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
આરોપીએ માત્ર મકાનમાલિક જ નહીં પરંતુ તેમના પડોશી પરિવારને પણ નિશાન બનાવ્યો હતો. સોલાર પેનલ સંબંધિત ટેન્ડર અપાવવાના બહાને પડોશી પરિવાર પાસેથી પણ લાખો રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. વિવિધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને અન્ય રીતે કુલ ₹4.12 લાખથી વધુની રકમ પડાવાઈ (Vadodara Fraud Case) હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, એક યુવાન પાસેથી વાપરવા માટે લેવામાં આવેલું એપલ કંપનીનું લેપટોપ પણ પરત આપવામાં આવ્યું ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. લેપટોપની કિંમત આશરે ₹82 હજારથી વધુ હોવાનું કહેવાય છે.
ફરિયાદીઓનો આક્ષેપ છે કે આરોપી અને તેની પત્નીએ મળીને સમગ્ર કાવતરું રચ્યું હતું. પ્લોટ કે સોલાર ટેન્ડર સંબંધિત કોઈ વચન પૂર્ણ ન કરતાં અને નાણાં પરત ન આપતાં બંને અચાનક ગાયબ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ભોગ બનનાર પરિવારો દ્વારા પોલીસ સમક્ષ કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ થતાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:લંડન વર્ક પરમિટના નામે સુરતના યુવક સાથે 8 લાખની છેતરપિંડી, આરોપી વડોદરાથી ઝડપાયો
આ પણ વાંચો:વડોદરામાં સરનેમ બદલવાનો વિવાદ, પિતાની ફરિયાદ, પત્ની સામે છેતરપિંડીનો આરોપ
આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડર દંપતીની છેતરપિંડીઃ પાંચ વર્ષથી મકાન કે દુકાનનું પઝેશન ન આપતા લોકોનો હોબાળો
