Sports News : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પિંક બોલથી એડિલેડમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો ખતરો છે. દરમિયાન, મેચની મધ્યમાં ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગતો જોવા મળી રહ્યો છે. મોહમ્મદ શમી વિશે એવી અટકળો ચાલી રહી હતી કે આ ફાસ્ટ બોલર બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ઈજામાંથી સાજા થયા બાદ શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર વાપસી કરી હતી. જો કે, તે પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શમીનું પ્રદર્શન એટલું ખાસ નહોતું, જેના પછી હવે ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાવું તેના માટે ઘણું મુશ્કેલ માનવામાં આવે છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફર્યા બાદ BCCIની મેડિકલ ટીમ શમી પર નજર રાખી રહી હતી, જ્યારે બીજી તરફ શમીને હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી ફિટનેસ અંગેનું ક્લિયરન્સ સર્ટિફિકેટ મળ્યું નથી. જેનો અર્થ છે કે શમી અત્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે તેમ નથી. જે બાદ શમી હજુ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળની ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI એ સ્પષ્ટ કર્યું છે કે શમીએ આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે પોતાનું વજન ઘટાડવું પડશે અને 100 ટકા ફિટનેસ પ્રાપ્ત કરવી પડશે. તે પહેલા તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી શક્ય નથી. બીજી તરફ, NCAનું માનવું છે કે શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે તેને ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું નથી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, BCCI શમીના ફિટનેસ ક્લિયરન્સ સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યું છે અને શમીની કીટ પણ તૈયાર છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ચાહકોને આશા હતી કે શમી એડિલેડ ટેસ્ટ સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે પરંતુ તેમ થઈ શક્યું નહીં.
આ પણ વાંચો:રિષભ પંતના ખુલાસાઓએ ખળભળાટ મચાવ્યો, આખરે દિલ્હી કેપિટલ્સથી અલગ થવા પર મૌન તોડ્યું
આ પણ વાંચો:ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં પંત ટોપ-10માં જયારે કિંગ કોહલી 10 વર્ષ પછી તેના સૌથી ખરાબ તબક્કામાં…
આ પણ વાંચો:સૌથી વધુ બેઝ પ્રાઈસની યાદીમાં સામેલ પંત, રાહુલ અને સ્ટાર્ક, બેન સ્ટોક્સ હરાજીમાં નહીં જોવા મળે
