આજે દુનિયાભરમાં ટ્રાફિકની સમસ્યાથી કરોડો લોકો જજુમી રહ્યા છે. ત્યારે ભારતનું એક શહેર સૌથી વધુ ટ્રાફિકનો રેકોર્ડ ધરાવે છે. દેશની આર્થિક રાજધાની કહેવાતુ મુંબઇ શહેર આજે સૌથી વધુ ટ્રાફિકનો સામનો કરી રહ્યુ છે. મુંબઇનાં મોટરચાલકોને દુનિયામાં સૌથી ખરાબ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ સમગ્ર બાબત આંતરરાષ્ટ્રીય સર્વેમાં સામે આવી છે. દેશની આર્થિક રાજધાનીમાં, લોકો જ્યારે રસ્તાઓ પર અટવાઇ જાય ત્યારે 65% થી વધુ સમય ખર્ચ કરવા મજબૂર થઇ જાય છે. આ માહિતી ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ 2018માં સામે આવી છે.
મુંબઇની સરખામણીમાં દેશની રાજધાની દિલ્હીમાં 58% વધુ સમય રસ્તા પર ખર્ચ કરવો પડે છે. ત્યારે કોલંબિયાની રાજધાની બગોટા બીજા ક્રમે (68%) અને પેરૂની રાજધાની લીમા (58%) સાથે ત્રીજા ક્રમે છે. આપને જણાવી દઇએ કે, જીપીએસનાં આધારે કરવામાં આવેલા સર્વેમાં 8 લાખથી વધુ જનસંખ્યાવાળા 400 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
ટોમટોમનાં વાઇસ પ્રેસિડન્ટ રાલ્ફ-પીટર શેફરએ જણાવ્યુ છે કે, ટ્રાફિક આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યો છે. આ સારી બાબત પણ ગણી શકાય અને ખરાબ વાત પણ. આ સારી વાત છે કારણ કે તે એક મજબૂત આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને સૂચવે છે, પરંતુ તેના ઘણા ગેરફાયદા એ છે કે ટ્રાફિકમાં બેઠેલા ડ્રાઇવરોનો સમય ખરાબ થાય છે અને પર્યાવરણ પર તેની મોટી અસર પડે છે.
પરિવહન પ્લાનર બીના બાલકૃષ્ણનનું કહેવુ છે કે, દેશમાં કાર-સેન્ટ્રિક પોલિસી છે અને વાહનોની ખરીદી અને ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી. ટોમટોમ ઈંન્ડિયાનાં જનરલ મેનેજર બાર્બરા બેલપેરનું માનવું છે કે ખાનગી પરિવહનને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સ ઉપરાંત લોકોમાં ખાનગી કારનો ઉપયોગ ઘટાડવા માટે જાગૃતતા ફેલાવવી જોઈએ.
