ઉત્તરપ્રદેશ એ ૪૦૩ વિધાનસભા બેઠકો અને ૮૦ સંસદીય મત વિસ્તાર ધરાવતું દેશનું સૌથી મોટું રાજ્ય છે. આ રાજ્યમાં વર્ષો પહેલા કોંગ્રેસનું એક ચક્રી શાસન હતું પરંતુ ૧૯૬૭ બાદ મોનોપોલી તૂટી અને બિન કોંગ્રેસી પક્ષોનો પગપેસારો થયો. જો કે, ૧૯૮૦ અને ૧૯૮૫ની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી સત્તા પર આવી પરંતુ ત્યારબાદ તેનું વર્ચસ્વ તૂટતું જ રહ્યું છે. છેલ્લા ૩૬ વર્ષથી કોંગ્રેસ સીધી રીતે સત્તાથી દૂર છે. ભાજપ સપા અને બસપા એકબીજાની ભાગીદારીથી કે સ્વતંત્ર રીતે રાજ કરતાં રહ્યા છે. ૨૦૦૭માં માયાવતીના પક્ષ બસપાએ ૨૦૩ થી વધુ બેઠકો જીતીને એકલા હાથે બહુમતી મેળવી હતી તો ૨૦૧૨માં સમાજવાદી પક્ષે ૨૦૩ કરતાં વધુ બેઠકો મેળવી સત્તા મેળવી અને અખિલેશ યાદવે મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ સુધી રાજ કર્યુ. આ ગાળામાં ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ફુંકાયેલો પરિવર્તનનો પવન ભાજપને ફળ્યો અને ૮૦માંથી ૭૦થી વધુ બેઠકો ને મળી અને ૨૦૧૭માં યોજાયેલા વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે ૩૦૦ આસપાસ બેઠકો સાથે સત્તા કબ્જે કરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યાં અખીલેશ ૪૪ અને માયાવતી ૨૫ આસપાસ બેઠકો સાથે ઘણા પાછળ રહ્યા તો કોંગ્રેસ આંગળીના વેઢે ગણાય તેટલી સાત બેઠકો સાથે સૂપડા સાફ જેવી સ્થિતિમાં આવી ગઈ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૮૦ પૈકી ૬૧ બેઠકો જીતી માયાવતી ૧૦ બેઠકો જીત્યા મુલાયમના પક્ષને માત્ર ચાર-પાંચ બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો તો કોંગ્રેસને એકમાત્ર સોનિયા ગાંધીની જીત સાથે રાયબરેલીની બેઠક મળી. અમેઠીમાં રાહુલ ગાંધી પણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા.

હવે આ સંજોગો વચ્ચે ૨૦૨૨નાં એપ્રિલ-મે માસમાં વિધાન સભાની ચૂંટણી આવી રહી છે ત્યાં ભાજપ સપા અને બસપા તેમજ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરવાની છે. અખિલેશ યાદવે ભાજપના એક વખતના દલિત સાથીદાર રાજભોજના પક્ષ સાથે જોડાણ કર્યુ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં સપાના ટેકેદારો ભાજપ પછી બીજા નંબરે ચૂંટાયા છે. માયાવતી બ્રાહ્મણ+દલિત+ મુસ્લિમના સમીકરણ માટે ફરી મેદાનમાં ઉતરી રહ્યા છે.

આ વખતે મત વિભાજન છે જ. કારણ કે ખેડૂત આંદોલન, લખીમપુર ખેરીની ઘટના અને મહિલાઓને ૪૦ ટકા બેઠકો આપવાની કોંગ્રેસના મહાસચિવ પ્રીયંકા ગાંધીની જાહેરાત બાદ ત્યાં કોંગ્રેસ સત્તા તો ન મેળવે પણ ચીત્રમાં આવી ગઈ છે તે તો ભાજપ વાળા પણ સ્વીકારે છે. યુપીમાં યોગી સરકાર સામે એન્ટી ઈન્કમબન્સી છે જ. તેને ખાળવા ભાજપે ૧૦૦થી ૧૨૫ જેટલા પૂર્વ ધારાસભ્યોના પત્તા કાપવાનું અને તેના સ્થાને નવા યુવાન ચહેરાઓ ગોઠવી એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે પ્લાન નં.૧ બનાવ્યો છે. જેની ટિકિટ કપાય તે ધારાસભ્યો અન્ય પક્ષો અને તેમાંય ખાસ કરીને સમાજવાદી પાર્ટીમાં હિજરત ન કરી જાય તે માટે પ્લન નંબર-બે ગોઠવ્યા છે. આ ધારાસભ્યોના પત્તા કાપવાની અને આ ધારાસભ્યોને અન્ય પક્ષોમાં જતા રોકવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે અને આ માટે તેઓ ઉત્તર પ્રદેશમાં પોતાના પ્રવાસનો પ્રથમ રાઉન્ડ શ‚ કરી દીધો છે.

જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશ એ જાટ અને ખેડૂતોના વિસ્તાર છે ત્યાંના ખેડૂતો અને વર્ગ ખેડૂત આંદોલન માટે સક્રિય છે ત્યાંના ખેડૂતોના મોટા સમૂહોએ દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનમાં ભાગ લીધો છે એટલું જ નહિ પરંતુ કેટલાકે શહીદી પણ વહોરી છે. ભાજપના યુપીનાં આગેવાનો સ્વીકારે છે કે, પશ્ચિમ યુપીના બાગપત સહિતના ઘણા વિસ્તારોમાં ભાજપના આગેવાનો પગ મૂકી શકતા નથી તેથી આ વિસ્તારના ભાજપના આગેવાનોએ ત્રણે’ય કૃષિ કાયદા રદ્દ કરવા માટેની માગણી વડાપ્રધાન સુધી પહોંચાડી દીધી છે પણ હજી સુધી તેનો જવાબ મળ્યો નથી.

લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોને કચડી મારવાનો બનાવ બન્યા બાદ ખેડૂતો વિફર્યા છે હવે તો પાટનગર લખનૌ અને તેની આસપાસનો વિસ્તાર પણ ભાજપને માટે મુશ્કેલી રૂપ બન્યો છે. જો કે યોગી આદિત્યનાથે ખેડૂતો માટે લાભદાયી પેકેજો જાહેર કરી તેમને સંતોષવા પ્રયાસ કર્યો છે.
જ્યારે પશ્ચિમ યુપીમાં જો વધુ બેઠકો ગુમાવવાનો વારો આવે તો તે સરભર કરવા વડાપ્રધાને પૂર્વાંચલમાં વિકાસ યોજનાઓનો વરસાદ વરસાવ્યો છે અને તે રીતે પૂર્વાંચલની તમામ બેઠકો જીતી યુપીમાં સત્તા જાળવી રાખવા તખ્તો તૈયાર કર્યો છે.

આમ ભાજપ દ્વારા હાલ જે કાર્યક્રમો પગલાંઓ અને સમગ્ર પ્રકારની કામગીરી થઈ રહી છે તેના પરથી લાગે છે કે, ત્યાં કપરા ચઢાણ છે જ જો કે વિપક્ષી મતોનું જે ચાર ભાગમાં વિભાજન થવાનું છે તેના આધારે જનાધાર ઘટે તો પણ બહુમતી મળે તેટલી બેઠકો મેળવવા વ્યૂહ ઘડ્યો છે. ભાજપના નેતાઓ યુપીમાં ૩૫૦થી વધુ બેઠકો મેળવવા વ્યૂહ ઘડે છે દાવાઓ કરે છે તે સામે ભાજપના કેટલાક નેતાઓ અને વિવેચકોએ પણ ચેતવણી આપી છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૦૦ પ્લસના દાવા જેવું ન તાય તે જો જો. યોગી આદિત્યનાથને તો તમામ સત્તા સાથે આગળ કર્યા જ છે. રામમંદિરનો મુદ્દો પણ જોરશોરથી ચગાવવાની સૂચના આપી છે જેનો અમલ પણ પૂરજોશમાં શ‚ થઈ ગયો છે. આ એક સમજી લેવા જેવી વાત છે. આગામી દિવસોમાં એક વાત નિશ્ચિત છે કે ત્યાં પરિસ્થિતિ સાવ સરળ નથી તે વાસ્તવિકતા વિષે ભાજપના નેતાઓ સજાગ છે. કોંગ્રેસનું મહિલા કાર્ડ, આપનું મફત કાર્ડ સપાનું યાદવેક દલિત +મુસ્લિમ અને માયાવતીના બ્રાહ્મણ+દલિત+મુસ્લિમ કોમ્બીનેશન સામે ભાજપ મોદી કાર્ડ સાથે રામકાર્ડ અને આતંકવાદના ખાત્મા માટેનું કાર્ડ પણ ઉતરશે તે નક્કી છે.

ભાજપના આગેવાનોએ પણ અને તેમાંય ખાસ કરીને દિલ્હીમાં બેઠેલા મોવડીઓએ પણ એક વાત સ્વીકારી લીધી છે કે ત્યાં તેમનું કામ ધારણા મુજબ સરળ નથી.તે વાત સ્વીકારીને વિપક્ષી એટલે કે ભાજપ વિરોધી મતોનું માત્ર ૫૦-૬૦ નહિ પણ ૧૫૦ કરતાં વધુ બેઠકો કે જ્યાં એન્ટી ઈન્કમબન્સીની અસર થવાનો વધુ ભય છે ત્યાં વધુને વધુ વિભાજન થાય તેવો વ્યૂહ ગોઠવ્યો છે આ માટે એક યા બીજા પક્ષના ટિકિટ નહિ મેળવી શકનાર આગેવાનોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવાનો વ્યૂહ પણ ગોઠવ્યો છે. ભાજપનું મોવડી મંડળ સ્પષ્ટ પણે માને છે કે, ભાજપ જો ૨૦૧૭ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવશે તો જ ૨૦૨૪માં કેન્દ્રમાં સત્તા જાળવી શકશે. અન્ય રાજ્યો કરતાં ઉત્તરપ્રદેશને મહત્વ આપવાનું કારણ પણ આજ છે.
Auto / જુઓ મહિલાઓ કેવી રીતે બનાવે છે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, CEOએ શેર કર્યો વીડિયો
Technology / Jio ફોનની ટોચની પાંચ સુવિધાઓ, અન્ય કોઈપણ એન્ટ્રી લેવલ ફોનમાં ઉપલબ્ધ નહીં હોય
