ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને બુધવારે બીજી વખત ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. તેમણે આ અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે. બીજો ઈમેલ [email protected] પરથી મોકલવામાં આવ્યો છે, અહેવાલ મુજબ, બીજા ઈમેલમાં લખ્યું હતું કે, “અમે તમને મારવા માંગતા હતા, પરંતુ તમે ગઈકાલે બચી ગયા.”
ઈમેલમાં આગળ લખવામાં આવ્યું હતું કે, “જો તમે તમારું પારિવારિક જીવન પસંદ કરો છો, તો રાજકારણ અને કાશ્મીર મુદ્દાથી દૂર રહો.” આ સિવાય બીજા ઈમેલમાં ગૌતમ ગંભીરના દિલ્હીના ઘરની બહાર શૂટ કરાયેલા વીડિયોની એટેચમેન્ટ પણ છે.આ પહેલા બુધવારે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ ગંભીરે “ISIS કાશ્મીર” તરફથી ધમકીભર્યા ઈમેલ પર પોલીસનો સંપર્ક કર્યો હતો. પ્રથમ ઈમેલમાં લખ્યું હતું, “અમે તમને અને તમારા પરિવારને મારી નાખીશું.”
અહેવાલ મુજબ, ડીસીપી (સેન્ટ્રલ) શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ભાજપના સાંસદ ગૌતમ ગંભીર વતી ગૌરવ અરોરાની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.23 નવેમ્બરે દિલ્હી પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં, સાંસદના સચિવ ગૌરવ અરોરાએ ઉલ્લેખ કર્યો હતો કે પહેલો ઈમેલ મંગળવારે રાત્રે 9.32 વાગ્યે મળ્યો હતો.
આ મામલાની તપાસ ચાલી રહી છે અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસનું સાયબર સેલ તે ઈમેલ એડ્રેસની ચકાસણી કરી રહ્યું છે કે જ્યાંથી ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનરે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે સાંસદના રાજેન્દ્ર નગર નિવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે
