Surat News: સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ તેનું સેવન કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આજે (31 જુલાઈ) સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના લસકાણા વિસ્તારમાં બની હતી, જ્યાં મહિલાએ પોતાના નાના બાળકને ઝેરી દવા આપ્યા બાદ પોતે પણ તેનું સેવન કર્યું હતું. પરિવારજનોને આ અંગે જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને માતા-પુત્રને હોસ્પિટલ લઈ ગયા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશો છતાં મહિલાનો જીવ બચાવી શકાયો નહીં. હાલમાં બાળકની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
મહિલાએ આટલું આકરું પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરિવારજનો અને પડોશીઓ પણ આ ઘટનાથી આઘાતમાં છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને મહિલાના આપઘાત પાછળના સંભવિત કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે. લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:સુરતમાં બ્લેકમેલિંગથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત….
