ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ વાગી ચુક્યા છે અને ચુંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે. ભાજપે ગુજરાતમાં પેટાચૂંટણીમાં મોટી જીત મેળવી છે. કુલ ૮ બેઠકોમાંથી ભાજપે ૬ બેઠકો જીતી છે.
આજરોજ જાહેર થયેલી ૭ જિલ્લા નગરપાલિકાની ૭ બેઠકો પૈકી ભાજપે ૫ બેઠકો જીતી લીધી છે, આ પેટાચૂંટણી અગાઉ ભાજપ પાસે નગરપાલિકાની ૨ બેઠકો હતી , જયારે ગાંધીનગર જિલ્લાની તાલુકા પંચાયતની રાંધેજા બેઠક પણ ભાજપે જીતી લીધી છે , જે અગાઉ અપક્ષ પાસે હતી.
નગરપાલિકાની બેઠકોમાં આણંદ જિલ્લાની બોરીયાવી બેઠક, ખેડા જિલ્લાની મહુધા બેઠક , મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક , પાટણ જિલ્લાની પાટણ બેઠક , ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠક પર ભાજપનો વિજય થયો છે.
કોંગ્રેસની આ ચૂંટણી અગાઉ જેટલી બેઠક હતી તે બેઠકની અડધી થઇ ગઈ છે જયારે ભાજપની બેઠકમાં ૩ ગણો વધારો થયો છે .
કુલ ૮ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની ૨ બેઠકોમાંથી વધીને ૬ બેઠક થઇ ગઈ છે જયારે કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. મહેસાણા, પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસ હારી છે. પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.
