Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાંગોદર (Changodar) વિસ્તારમાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા બ્લડ પ્લાઝમા (Blood Plasma)યુનિટમાં ભેળસેળ કરીને ગેરકાયદે આર્થિક લાભ મેળવતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આશરે ₹12.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે મુખ્ય આરોપી દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી, જેને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં બ્લડ પ્લાઝમા કલેક્શન સંબંધિત અનુભવ હતો, તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને અસલી પ્લાઝમા યુનિટ કાઢી તેની જગ્યાએ ભેળસેળયુક્ત પ્લાઝમા બેગ ગોઠવવાનું કાવતરું રચ્યું હતું.
આ રીતે ચાલતું હતું કૌભાંડ

તપાસમાં જાણવા મળ્યું કે બ્લડ પ્લાઝમા ((Blood Plasma)) કલેક્શન વાહનના ડ્રાઈવર અને કો-ડ્રાઈવર આરોપીઓને અગાઉથી માહિતી આપતા હતા કે કયા વિસ્તારમાંથી પ્લાઝમા કલેક્શન થવાનું છે. ત્યારબાદ મુખ્ય આરોપી જરૂરી સંખ્યામાં ભેળસેળવાળા પ્લાઝમા યુનિટ તૈયાર રાખતો હતો.
જ્યારે કલેક્શન થયેલા અસલી પ્લાઝમા યુનિટ કંપનીમાં પહોંચાડવાના હોય ત્યારે વાહનને પહેલા આરોપીના ઘરે લઈ જવાતું હતું. ત્યાં સારી ગુણવત્તાવાળા અસલી પ્લાઝમા યુનિટ અલગ કરી દેવામાં આવતા અને તેની જગ્યાએ ભેળસેળવાળા યુનિટ મૂકી કંપનીમાં સપ્લાય કરવામાં આવતા હતા.
મહારાષ્ટ્ર સુધી પહોંચેલી તપાસ
ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓના રિમાન્ડ મેળવી મહારાષ્ટ્ર સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. પોલીસે રેકેટના મુખ્ય સૂત્રધારને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
₹12.06 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર્યવાહી દરમિયાન 1140 બ્લડ પ્લાઝમા (Blood Plasma)યુનિટ, ડીપ ફ્રીઝર, સીલિંગ મશીન, કેમિકલ બોટલ્સ, ખાલી પ્લાઝમા બેગ્સ અને એક મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહન સહિત કુલ ₹12.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
- દિનેશભાઈ ઉમાભાઈ ચૌધરી (ધાનેરા, બનાસકાંઠા)
- મોહન દાજીબા ગાયકવાડ (વાસીમ, મહારાષ્ટ્ર)
- રફીકભાઈ સાલમભાઈ (ધોળકા, અમદાવાદ)
- જીતેન્દ્રભાઈ બળદેવભાઈ સોલંકી (ધોળકા, અમદાવાદ)
પોલીસ હાલમાં સમગ્ર નેટવર્ક, ભેળસેળનો વ્યાપ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરી રહી છે.
