બોલિવૂડમાં કપૂર પરિવારનો લાંબો ઇતિહાસ છે. મૂક સિનેમાથી લઇને બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમા સુધી પોતાની ઓળખ બનાવનારા અમુક કલાકારોમાં હિન્દી સિનેમાનાં પ્રખ્યાત શો મેન રાજ કપૂરનાં પિતા પૃથ્વીરાજ કપૂર શામેલ છે. આપને જણાવી દઇએ કે, આજે પૃથ્વીરાજ કપૂરની જન્મજયંતિ છે.
પૃથ્વીરાજ કપૂરનો જન્મ 3 નવેમ્બર 1906 નાં રોજ લાયલપુર (હાલમાં ફૈસલાબાદ)નાં સમુદ્રીમાં થયો હતો. ભાગલા બાદ આ ક્ષેત્ર પાકિસ્તાનનો ભાગ બની ગયો. તેમના પિતા બશેશ્વરનાથ કપૂર ભારતીય શાહી પોલીસમાં અધિકારી હતા. પૃથ્વીરાજને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેમણે લાયલપુર અને પેશાવરનાં થિયેટરોમાં અભિનયની શરૂઆત કરી હતી.
આ રીતે મળી પહેલી ફિલ્મ
1928 માં પૃથ્વીરાજ કપૂર મુંબઇ આવી ગયા હતા અને ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં જોડાયા. તેમની પહેલી ફિલ્મ દો ધારી તલવારમાં, પૃથ્વીરાજ કપૂરે એક સાઇડ કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. મુખ્ય અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ 1929 માં આવેલી ‘સિનેમા ગર્લ’ હતી. નવ મૌન ફિલ્મોમાં કામ કર્યા પછી, પૃથ્વીરાજ દેશની પહેલી બોલતી ફિલ્મ આલમ આરામાં સહાયક અભિનેતા વિદ્યાપતિ તરીકે દેખાયા.
ઘણા વર્ષો સુધી ફિલ્મ અને થિયેટરો સાથે સંકળાયા પછી પૃથ્વીરાજે 1944 માં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી. આ જૂથ આર્ટ્સ પરફોર્મ કરવા દેશભરમાં ફરતુ હતુ. કાલિદાસ દ્વારા લખાયેલ અભિજ્ઞાનશાકુન્તલ નાટક આ થિયેટરનાં રંગમંચ પર પ્રદર્શિત થતું પ્રથમ નાટક હતું. યુવાનોને સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવાની પ્રેરણા આપવા મહાત્મા ગાંધી દ્વારા સંચાલિત ભારત છોડો આંદોલન દરમિયાન પૃથ્વી થિયેટરમાં જવાનોને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાવવા માટે નાટકો કર્યા. પૃથ્વી થિયેટર દુનિયાનાં ઘણા ઐતિહાસિક પ્રસંગોનાં સાક્ષી બન્યા હતા.
વિદેશી ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શીત પહેલી ફિલ્મ

દેવકી બોઝ દ્વારા પ્રસ્તુત અને ઇસ્ટ ઇન્ડિયા ફિલ્મ કંપની દ્વારા નિર્માણિત સીતા એ પહેલી ભારતીય ફિલ્મ હતી જે કોઈપણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થઈ હતી. આ ફિલ્મમાં ગુલ હામિદ, પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટે મુખ્ય ભૂમિકામાં હતા. 1934 માં, આ ફિલ્મ બીજા વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રદર્શિત થઈ. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે રામની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મમાં ત્રણ પેઢીએ સાથે કર્યુ કામ

1971 માં, પૃથ્વીરાજનાં પુત્ર રાજ કપૂરનાં પ્રોડક્શન અને રાજ કપૂરનાં પુત્ર રણધીર કપૂરની નિર્દેશકમાં બનેલી ફિલ્મ કલ આજ ઔર કલ માં પૃથ્વીરાજ કપૂરની ત્રણ પેઢી એક સાથે પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મ પૃથ્વીરાજ કપૂરની છેલ્લી ફિલ્મ હતી. આ ત્રણેય ઉપરાંત બબીતા કપૂર પણ આ ફિલ્મમાં જોવા મળી હતી.
હિન્દી સિનેમાનો દેશભરમાં ફેલાવો
1941 માં સોહરાબ મોદી દ્વારા દિગ્દર્શિત સિકંદર એ એવી ફિલ્મ હતી જેણે પૃથ્વીરાજ કપૂરને સુપર સ્ટાર બનાવી દીધા. આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, સોહરાબ મોદી અને ઝહૂર રાજા મુખ્ય ભૂમિકામાં હતા. હિન્દી સિનેમામાં અપાર સફળતા હાંસલ કર્યા બાદ આ ફિલ્મ પારસીમાં પણ રજૂ કરવામાં આવી હતી. બીજા વિશ્વ યુદ્ધ અને ભારત છોડો આંદોલન દરમિયાન બનેલી આ ફિલ્મે હિન્દી સિનેમાનો દેશભરમાં ફેલાવો કર્યો હતો.
સૌથી સફળ ફિલ્મ મુગલ-એ-આઝમ
પૃથ્વીરાજ કપૂરની વાત કરવામા આવે અને તેમની ફિલ્મ મુગલ-એ-આઝમની વાત ન થાય તેવુ બને ખરા! હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંની એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બની મુગલ-એ-આઝમમાં પૃથ્વીરાજ કપૂરે અકબરની ભૂમિકા ભજવી હતી. દિલીપકુમાર, મધુબાલા, દુર્ગા ખોટે અને નિગાર સુલ્તાના જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ હિન્દી સિનેમામાં એક મીલનો પથ્થર સાબિત થઈ હતી. તે સમયે હિન્દી સિનેમાનાં ઇતિહાસમાં આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી અને લગભગ 15 વર્ષ સુધી રેકોર્ડ જાળવી રાખ્યો હતો. ફિલ્મનું રંગીન સંસ્કરણ 2004 માં રજૂ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
