Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં VIP રોડ પર આવેલી વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ કન્સ્ટ્રક્શન સાઈટ એક ચોંકાવનારી અને નિંદનીય ઘટનાનું કેન્દ્ર બની છે. 31 ઓગસ્ટ, 2025ના રોજ સાંજે આ સાઈટ પર લેબર કોન્ટ્રાક્ટર મુકેશભાઈ પરમાર અને તેમની ટીમના મજૂરો પર ચાર શખસો દ્વારા લાકડીઓ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાનું મૂળ કારણ બિલ્ડર દ્વારા મજૂરોના પેમેન્ટની ચૂકવણી ન કરવાનો વિવાદ હતો, જેણે આખરે હિંસક સ્વરૂપ લીધું.
જામનગરના રહેવાસી અને હાલ બોડકદેવમાં રહેતા મુકેશભાઈ પરમાર સારથ્ય વેસ્ટ સાઈટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમની ટીમમાં 20 કારીગર અને 30 મજૂરો કામ કરે છે, જેઓ દિવસ-રાત મહેનત કરીને આ બાંધકામ પ્રોજેક્ટને આગળ વધારે છે. જોકે, બિલ્ડર હિતેશભાઈ વ્યાસ અને સ્વાગત વ્યાસ દ્વારા મજૂરોના પેમેન્ટની ચૂકવણી વારંવાર ટાળવામાં આવતી હતી. આ બાબતે નારાજગી વધતાં મુકેશભાઈએ 31 ઓગસ્ટની સવારે તેમના માનવ કોર્પોરેશનના વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો કે, “જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય, ત્યાં સુધી આવતીકાલથી કામ બંધ રાખીશું.”
સાંજે સાઈટ પર મજૂરોને પણ આ નિર્ણયની જાણ કરવામાં આવી. પરંતુ આ નિર્ણય બિલ્ડરો અને તેમના સાથીઓને ગુસ્સે કરી ગયો, જેનું પરિણામ હિંસક હુમલાના રૂપે સામે આવ્યું.
31 ઓગસ્ટની સાંજે લગભગ 7:30 વાગ્યે, જગો ઠાકોર નામનો શખ્સ હાથમાં લાકડી લઈને સાઈટ પર આવ્યો. તેની સાથે દશરથ, બકો અને જવાન ઠાકોર પણ હતા. તેમણે મુકેશભાઈને પૂછ્યું, “સાઈટ પર કામ કેમ બંધ રાખવાનું કહે છે?” મુકેશભાઈએ શાંતિથી જવાબ આપ્યો કે, “અમે અમારું કામ પૂરું કર્યું છે, પરંતુ બિલ્ડરે પેમેન્ટ નથી આપ્યું, એટલે કામ બંધ રાખવું પડશે.”
આ જવાબથી ઉશ્કેરાયેલા જગો ઠાકોરે કહ્યું, “તને મારવાનો ઉપરથી હુકમ છે!” અને લાકડીઓથી મુકેશભાઈ પર હુમલો કરી દીધો. હુમલાખોરોની આ ગુંડાગીરીથી મુકેશભાઈના ખભા પર ગંભીર ઈજાઓ થઈ, અને તેમના શરીર પર લાલ ચકામાં પડી ગયાં. આ દરમિયાન બચાવવા આવેલા મજૂર ભગાભાઈ મીણાને પણ આરોપીઓએ નિશાન બનાવ્યો.
મારામારીનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થયા. તેમની હાજરી જોઈ આરોપીઓએ ધમકી આપી, “આજે બચી ગયા છો, હવે મળશો તો જાનથી મારી નાખીશું!” અને ત્યાંથી ફરાર થઈ ગયા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને બોપલ પોલીસને જાણ કરી. ઈજાગ્રસ્ત મુકેશભાઈ અને ભગાભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
બોપલ પોલીસ સ્ટેશનના PI બી. ટી. ગોહિલે જણાવ્યું કે, આ ઘટનામાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને આરોપીઓની ધરપકડ બાદ હુમલાનું ષડયંત્ર અને તેની પાછળના મુખ્ય સૂત્રધારોની ઓળખ થશે. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે, જેથી ન્યાય મળી શકે.
આ પણ વાંચો:બોપલમાં 2 બિલ્ડરોએ કરેલી 3.33 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ, પોલીસે નોંધી ફરિયાદ
આ પણ વાંચો:અમદાવાદ નજીકના બોપલ હત્યા કેસમાં પોલીસ કર્મી જ નીકળો હત્યારો
આ પણ વાંચો:પાંચ-પાંચ જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને દારૂ ભરેલી ફોરચ્યુનર બોપલ પહોંચી
