Devbhumi Dwarka: દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમી અભૂતપૂર્વ હશે અને તો તેની સામે ઉમટનારા લોકોની જાળવણી કરવા માટે પોલીસ બંદોબસ્ત પણ તેટલો જ અભૂતપૂર્વ રાખવામાં આવ્યો છે. દ્વારકા માટે આ વખતની જન્માષ્ટમીની ખાસિયત એ છે કે દ્વારકા અને બેટદ્વારકાને જોડતો કેબલ બ્રિજ બન્યા પછીની આ પ્રથમ જન્માષ્ટમી છે. તેના લીધે આ વખતે દ્વારકાધીશને ત્યાં અકલ્પનીય ધસારો રહે તેમ માનવામાં આવે છે.
દ્વારકાધીશને ત્યાં આમ પણ જન્માષ્ટમીના દિવસે ધસારો રહેતો હોય છે. તેમા હવે દરિયામાં બનેલા કેબલ બ્રિજનું વિશેષ આકર્ષણ ઉમેરાયું છે. તેથી ધસારો વધુ તીવ્ર બનશે. સરકાર આ ઉપરાંત દ્વારકા અને બેટ દ્વારકા બંનેને વિકસાવવાનું આયોજન કરી રહી છે.

દ્વારકાના એસપી નિતેશ પાંડેએ જણાવ્યું છે કે દ્વારકામાં આ વખતે ઉમટી પડનારા ધસારાને ધ્યાનમાં રાખીને સલામતી વ્યવસ્થા પણ અભૂતપૂર્વ રાખવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ રાખવામાં આવી છે. એલસીબી, એસઓજીને અત્યારથી જ સાબદી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ડ્રોન ટીમ પણ ગોઠવી દેવાઈ છે. બધા જ સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. દ્વારકા માટે આ પ્રકારનો સુરક્ષા બંદોબસ્ત અગાઉ ક્યારેય કરવામાં આવ્યો ન હતો. તેના પછી હવે દ્વારકામાં દર જન્માષ્ટમી વખતે આવો જ બંદોબસ્ત જોવા મળશે તેવો દાવો તેમણે કર્યો હતો. સમય વીતવાની સાથે-સાથે વધુને વધુ ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષા માટે કરવામાં આવશે.

આ ઉપરાંત દિવ્યાંગો માટે પણ અલગ ઇ-રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલરૂમ પણ સ્થાપી દેવાયો છે. આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક એક્ટિવ રહેશે. તેની સાથે એમ્બ્યુલન્સો પણ ખડે પગે રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સિવિલ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ નિયત સમય કરતાં વધુ સમય ખુલ્લો રહેવા જણાવી દેવાયું છે. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલે અને ભારે ભીડના લીધે ટ્રાફિક જામ ન થાય તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ટૂંકમાં દરેક સંજોગોમાં બધી જ ઇમરજન્સી સર્વિસિસ ચાલે તથા લોકોને હાલાકી ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રભાવના જગાડવા બેટ દ્વારકામાં ધ્વજ વંદન અને તિરંગા યાત્રાનું આયોજન
આ પણ વાંચો: દ્વારકાના જામ ખંભાળીયામાં હાઈવે પર ગંભીર અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો: દ્વારકામાં વાયુસેનાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન, નદીમાં ફસાયેલા 3 લોકોના ભારે જહેમત બાદ બચાવ્યો જીવ, જુઓ વીડિયો
