Budget 2026 Sunday Trading: ભારતના નાણાકીય ઇતિહાસમાં 1 ફેબ્રુઆરી 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. આ વર્ષે કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ થવાનું છે, અને આ ખાસ અવસરે ભારતીય શેરબજાર (NSE, BSE) તેમજ કોમોડિટી માર્કેટ (MCX, NCDEX) ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આઝાદ ભારતના ઇતિહાસમાં આ બીજી વાર બનશે જ્યારે બજેટ માટે રવિવારે માર્કેટમાં ટ્રેડિંગ થશે.
કેમ લેવાયો આ નિર્ણય?
સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે. પરંતુ બજેટમાં થનારી મોટી જાહેરાતો પર રોકાણકારો અને ટ્રેડર્સ તુરંત પ્રતિક્રિયા આપી શકે અને બજારમાં ભારે અસ્થિરતાને ટાળી શકાય તે હેતુથી એક્સચેન્જોએ આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશન રાખવાનું નક્કી કર્યું છે.

MCX અને NCDEX ના ટાઇમિંગ
કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કરનારાઓ માટે રાહતના સમાચાર છે, કારણ કે બજારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પ્રી-ઓપન સેશન સવારે 8:45 થી 8:59 સુધી ચાલશે અને નોર્મલ ટ્રેડિંગ સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલશે. તેવી જ રીતે, NCDEX (એગ્રી કોમોડિટી) પર ટ્રેડિંગનો સમય સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો રહેશે.
નિર્મલા સીતારમણનો નવો રેકોર્ડ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે સતત ૯મી વાર કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવશે. તેઓ સવારે 11:00 વાગ્યે બજેટ ભાષણની શરૂઆત કરશે. બજારના નિષ્ણાતો માને છે કે આ બજેટમાં સરકાર કેપેક્સ (CapEx) માં 10% થી વધુનો વધારો કરી શકે છે, જેની સીધી અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શેર પર જોવા મળશે.
Budget 2026ના દિવસે માર્કેટનો ઇતિહાસ
ઇતિહાસ તપાસીએ તો, 28 ફેબ્રુઆરી 1999ના રોજ અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પહેલીવાર રવિવારે બજેટ માટે બજાર ખૂલ્યું હતું. જોકે, આંકડા કહે છે કે બજેટના દિવસે માર્કેટમાં માત્ર 0.19% ની જ સરેરાશ વધઘટ જોવા મળે છે, પરંતુ બજેટ પછીના અઠવાડિયામાં રોકાણકારોને મોટું વળતર મળતું હોય છે.
