આઈડિયા અને વોડાફોનના મર્જરને ટેલિકોમ મિનિસ્ટ્રીએ કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. આ સાથે જ મર્જર બાદ કંપનીનો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બનવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

દુરસંચાર મંત્રાલયે સોમવારે વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલરને મર્જરની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રાલયે આઈડિયા સેલ્યુલરને કહ્યું છે કે તેઓ વોડાફોનના સ્પેક્ટ્રમ માટે 3,926 કરોડ રુપિયા રોકડા ચૂકવે, તેમજ 3,342 કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી જમા કરવાની શરત પણ રાખવામાં આવી છે.

આઈડિયા અને વોડાફોનનું મર્જર થયા બાદ, દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. હાલમાં એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. મર્જર બાદ નવી કંપની 23 અરબ ડોલરની કિંમતની બની જશે. આનો માર્કેટ શેર 35 ટકા રહેશે.
આટલું જ નહિ, મર્જર બાદ કંપનીના ગ્રાહકો પણ 43 કરોડ જેટલા થઇ જશે. કંપનીની ટક્કર રિલાયન્સ જિયો, એરટેલ અને અન્ય ટેલિકોમ કંપની સાથે રહેશે.

આ મર્જર બાદ એવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે કે રિલાયન્સ જિયો અને મર્જર બાદ બનવાવાળી કંપની વચ્ચે ટક્કર વધી જશે. બંને કંપનીઓ પોતાના ગ્રાહકોને ખુશ રાખવા માટે અને માર્કેટ શેર વધારવા માટે નવી-નવી ઓફર્સ લાવશે।
