દિલ્લી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલા બેન્કિંગ ગોટાળાઓને લઇ દેશભરમાં દેશની બેંકો અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે સંસદની એક સમિતિ દ્વારા RBIના ગવર્નર ઊર્જિત પટેલને ૧૭ મેના રોજ હાજર થવા માટે જણાવ્યું છે.
સંસદની સમિતિ દ્વારા ગવર્નર ઊર્જિત પટેલ સમક્ષ દેશભરમાં સામે આવેલા બેન્કિંગ ગોટાળાઓને લઇ સવાલો પૂછવામાં આવી શકે છે.
કોંગ્રેસના વરિષ્ટ નેતા એમ વીરપ્પા મોઈલીના નેતૃત્વવાળી સંસદની સ્થાયી સમિતિ દ્વારા મંગળવારે નાણાકીય સેવાના સચિવ રાજીવ કુમારને બેન્કિંગ ક્ષેત્ર અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા.
એક અન્ય સૂત્ર દ્વારા જણાવ્યું હતું કે, “અમે જાણવા ઈચ્છીએ છીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરને કયા પ્રકારના અધિકારો જોઈએ છે”.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, “આ સમિતિ દ્વારા પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં સામે આવેલા અલગ અલગ ગોટાળા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ પંજાબ નેશનલ બેંક અને ICICI બેંકના મુદ્દા અંગે જણાવ્યું, ICICI સહિતની તમામ કોમર્શિયલ બેંકો અંગે પણ વિસ્તૃત ચારચા થઇ હતી.
નાણા મંત્રાલયના અધિકારીઓના દ્વારા પણ બેન્કોના ગોટાળા અંગેના સાંસદોના સવાલોના જવાબો આપવામાં આવ્યા હતા. બીજી બાજુ સંસદીય સમિતિ દ્વારા આ સવાલોના જવાબો પર પૂરી રિપોર્ટ આપવા માટે ૩ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.
