નવી દિલ્હી,
દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણીના વેતનમાં છેલ્લા ૯ વર્ષથી કોઈ વધારો થયો ન હતો, ત્યારે હવે ૧૦માં વર્ષમાં પણ પગારમાં કોઈ વૃદ્ધિ કરવામાં આવી નથી. જયારે બીજી બાજુ કંપનીના અન્ય અધિકારીઓની સેલેરીમાં સતત વધારો થઇ રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, કંપનીના ચેરમેનને હાલમાં ૧૫ કરોડ રૂપિયાનું વેતન મળે છે. જો કે પોતાના પગારમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય ખુબ મૂકેશ અંબાણીનો જ છે.
આ દરમિયાન મૂકેશ અંબાણીએ પોતાના પગારમાં વધારો લીધો નથી, પરંતુ કંપનીના અન્ય વરિષ્ટ અધિકારીઓની સેલેરીમાં વધારો થયો છે. ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેઓના સંબંધી નિખિલ અને હિતલના પગારમાં પણ વૃદ્ધિ થઇ છે.
કંપનીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન મુકેશ અંબાણીનું વેતન અને એલાઉન્સ ૪.૪૯ કરોડ રૂપિયા રહ્યા છે, જે ૨૦૧૬-૧૭માં તેઓને ૪.૧૬ કરોડ રૂપિયા મળ્યા હતા. જયારે કમિશનમાં કોઈ ફેરફાર થયો નથી અને તે ૯.૫૩ કરોડ રૂપિયા પર યથાવત છે.
મહત્વનું છે કે, દેશના સૌથી ધનવાન વ્યક્તિએ વર્ષ ૨૦૦૯માં પોતાના વેતનમાં કોઈ વધારો ન કરવા માટે નિર્ણય કર્યો હતો, ત્યારબાદ તેઓની સેલેરી આ જ સ્તર પર રહી છે.
મુકેશ અંબાણી હાલ ૨.૭૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દેશના સૌથી અમીર વ્યક્તિ છે જયારે દુનિયાના અબજોપતિઓની યાદીમાં તેઓ ૧૯માં સ્થાને છે.
