ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ટાણે જ મોરબી દુર્ઘટના બનતા સત્તાપક્ષ ભાજપ માટે ચિંતા નો વિષય બની ગયો છે, તે સંજોગોમાં ભાજપે ઉમેદવાર પસંદગી ની શરૂ કરેલી પ્રક્રિયા દરમિયાન વર્તમાન પરિસ્થિતિ ના આધારે અલગ જ વ્યૂહરચના સાથે ઉમેદવાર નક્કી કરવામાં આવી શકે છે, ખાસ કરીને 2017 ની નબળી બેઠકો પર ભાજપ વધુ ફોક્સ કરી રહ્યું છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક એક બેઠકમાં સંપૂર્ણ તૈયારી, અને વ્યૂહમાં જરાપણ કચાશ ન રહી જાય તેની સાવચેતી સાથે ભાજપ આગળ વધી રહ્યો છે, આ સંદર્ભમાં પક્ષના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ઉપરાંત સુધીર ગુપ્તા ગુજરાત આવી રહ્યા છે તેઓ પણ ખાસ કરીને નબળી બેઠક પર ચિંતા કરશે. સુત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્ર યાદવ લાંબા સમયથી ગુજરાતના પ્રભારી છે,તેથી ગુજરાત ની રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે સાથે સાથે ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ પણ તેમની પાસે છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે સતાવાર જાહેરાત થવાની છે પરિણામે ભાજપની ત્રણ દિવસની જે ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ થઈ છે તેમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્રની બેઠકો માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે,વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમમાં પણ પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક જ દિવસે મતદાન યોજાય તેવી શક્યતા છે અને આ બંને ક્ષેત્રોની 89 જેટલી બેઠકોની એક જ દિવસમાં પેનલ ફાઈનલ કરી દેવામાં આવે તેવી શક્યતા છે તે પછી ઉત્તર અને મધ્ય ગુજરાતને બીજા તબક્કામાં મતદાનની શક્યતા હોવાથી બીજા અને ત્રીજા દિવસે પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે, ભાજપ સંગઠનના અનેક હોદેદારો પણચૂંટણી લડવાની દાવેદારીમાં હોવાથી તેઓને જે તે બેઠક સમયે ગેરહાજર રહેવા જણાવાશે.
