Ahmedabad News: કહેવાય છે માતાની ભક્તિ બધાને ફળે છે. આવું જ આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અંગે કહી શકાય. તેમને પહેલાં જ નોરતે કોર્ટમાંથી સશર્ત જામીન મળ્યા છે. મા આવી મુક્તિ લાવી તેમ ચૈતર વસાવા ચોક્કસપણે માનતા હશે. ચૈતર વસાવાને તેમની સામે અપશબ્દો બોલવાના અને મારામારીના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે, પરંતુ તે તેમના મતવિસ્તારમાં જઈ નહીં શકે તે શરતે જામીન આપવામાં આવ્યા છે.
AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસમથકે ડેડિયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજય વસાવાને માર મારવો, અપશબ્દો બોલવા અને જાનથી મારી નાખવાની ધમકીના ગુના હેઠળની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આના પગલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે નકારી દેવાતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જો કે જેલવાસ દરમિયાન ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ખાસ સત્રમાં હાજર રહેવા માટે છૂટ મળી હતી. હવે નવરાત્રિના પહેલાં જ દિવસે ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા છે, પરંતુ સિંહ જેમ પોતાની બોડમાં જઈ ન શકે તેમ ચૈતર વસાવા તેમના જ મતવિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશી શકશે નહી. બાકી બધે જઈ શકશે.

ચૈતર વસાવાએ દલીલ કરી હતી કે તેમની સામેના મોટાભાગના આક્ષેપ રાજકારણ પ્રેરિત છે. શાસક પક્ષના સભ્યો તેમને યેનકેન પ્રકારે તેમના મતવિસ્તારથી દૂર રાખવા માંગે છે. તેમના પર ખોટા આરોપો મૂકે છે. તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેઓ કોઈ પ્રજાકીય પ્રવૃત્તિ કરી શકતા નથી. ફરિયાદી શાસક પક્ષનો છે. તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે ક્યારેય કોઈની હત્યાના પ્રયત્ન જેવા ગુના કર્યા નથી. તેમણે ફક્ત અયોગ્ય વ્યક્તિની નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો છે.

કોર્ટે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે રાજકારણ તેની જગ્યાએ છે, પરંતુ એક ધારાસભ્યનું વર્તન ધારા બહારનું હોવું ન જોઈએ. ડેડિયાપાડામાં પ્રાંત ઓફિસરની કચેરીમાં એટીવીટીની બેઠક મળી હતી. તેમા ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા. કમિટીના તેમના સભ્યોનો સમાવેશ ન થતાં તેઓએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખને અપશબ્દો કહ્યા હતા. જ્યારે ડેડિયાપાડા જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને છૂટી વસ્તુઓ મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આટલેથી પણ ન અટકતા પ્રાંત ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરી હતી. હવે એક ધારાસભ્ય આ પ્રકારનું વર્તન કરે તે કેટલું શોભનીય કહેવાય. તેથી તેમની સામે જે પણ કાર્યવાહી થઈ ફક્ત તેમના આ વર્તમાન વ્યવહારના સંદર્ભમાં થઈ છે.
જ્યારે ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે અરજદાર દર વખતે પોતાની સામેની ફરિયાદ રાજકારણથી પ્રેરિત હોવાનું કહીને છટકી જાય છે. પણ અરજદાર પોતે ધારાસભ્ય હોવા છે તો ધારાઓને માન આપતો નથી. વાસ્તવમાં તો તેનું વર્તન ઉદાહરણરૂપ હોવું જોઈએ. તેના બદલે આજે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તેવું વર્તન કરે છે.
આ પણ વાંચો: Narmada News/મનરેગા મુદ્દે આપ MLA ચૈતર વસાવાનો CMને પત્ર
આ પણ વાંચો: Vadodara News/ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આપી પેરોલની મંજૂરી, કોર્ટે વિધાનસભા સત્રમાં ભાગ લેવા
આ પણ વાંચો: Bharuch news/ભાજપના સાસંદ મનસુખ વસાવા ભાજપના નેતાઓ સામે લાલઘૂમ,ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા
