Chardham Yatra 2026 Schedule: ભારતની સૌથી પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર ગણાતી ચારધામ યાત્રા-2026નો આજથી ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે છ મહિનાના શિયાળુ વિરામ બાદ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે સમગ્ર હિમાલય પંથક ‘જય મા ગંગે’ અને ‘જય મા યમુને’ના નાદથી ગુંજી ઉઠ્યો છે.
Chardham Yatraની પરંપરાગત શરૂઆત
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, ચારધામ યાત્રા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ કરવામાં આવે છે. એટલે કે સૌથી પહેલા યમુનોત્રીથી યાત્રા શરૂ થાય છે, ત્યારબાદ ગંગોત્રી, પછી બાબા કેદારનાથ અને અંતે બદ્રીનાથ ધામના દર્શન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ ક્રમમાં યાત્રા કરવાથી જ પૂર્ણ ફળ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ચારધામ યાત્રા 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
તમે જો આ વર્ષે ચારધામની યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ, તો નીચે મુજબની તારીખો અને સમય ખાસ નોંધી લેજો:
| ધામનું નામ | કપાટ ખુલવાની તારીખ | કપાટ બંધ થવાની સંભવિત તારીખ |
| યમુનોત્રી ધામ | 19 એપ્રિલ, 2026 | 11 નવેમ્બર, 2026 |
| ગંગોત્રી ધામ | 19 એપ્રિલ, 2026 | 10 નવેમ્બર, 2026 |
| કેદારનાથ ધામ | 22 એપ્રિલ, 2026 | 11 નવેમ્બર, 2026 |
| બદ્રીનાથ ધામ | 23 એપ્રિલ, 2026 | 13 નવેમ્બર, 2026 |
બાબા કેદારનાથના દ્વાર આવતીકાલે ખુલશે
ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલ્યા બાદ હવે સૌની નજર કેદારનાથ ધામ પર છે. આવતીકાલે એટલે કે 22 એપ્રિલના રોજ સવારે શુભ મુહૂર્તમાં કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવશે. ત્યારબાદ 23 એપ્રિલે ભગવાન બદ્રીનાથના દ્વાર ખુલવાની સાથે ચારેય ધામો ભક્તોની ભીડથી છલકાઈ જશે.
યાત્રાળુઓ માટે મહત્વની સૂચના
ઉત્તરાખંડ સરકાર અને પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. યાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓને રજિસ્ટ્રેશન કરાવવા અને સ્વાસ્થ્યની તપાસ કરાવીને જ આગળ વધવા અપીલ કરવામાં આવી છે. હિમાલયની ઉંચાઈઓ પર બદલાતા હવામાનને ધ્યાને રાખીને જરૂરી ગરમ કપડાં અને દવાઓ સાથે રાખવી હિતાવહ છે.
આ પણ વાંચો:જો તમે પણ ચારધામ યાત્રા પર જઈ રહ્યા છો તો આ રીતે સાયબર ઠગથી રહો સાવધાન, ઉત્તરાખંડ STF ટીમ પણ સતર્ક
આ પણ વાંચો:30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
આ પણ વાંચો:30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
