Gujarat Local Body Election 2026/ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 10માં પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે તીખી બોલાચાલી(Clashes) થતા તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
મહિલા ભાજપ ઉમેદવારના ઘરે સર્જાયો વિવાદ

માહિતી મુજબ, કોંગ્રેસના ચારેય ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ભાજપની મહિલા ઉમેદવારના નિવાસસ્થાને પહોંચ્યા અને મત માંગ્યા. પોતાના ઘરે હરીફ પક્ષના ઉમેદવારોને જોઈ મહિલા ઉમેદવારે વિરોધ નોંધાવ્યો અને તેમને ત્યાંથી જવા જણાવ્યું.
બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી(Clashes)
મહિલા ઉમેદવારના વિરોધ બાદ બંને પક્ષો વચ્ચે શાબ્દિક ટકરાવ શરૂ થયો. થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું અને ઉગ્ર દલીલો જોવા મળી હતી. જોકે પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ સ્થળ છોડીને મામલો શાંત પાડ્યો હતો.
વિડિયો વાયરલ, ચર્ચા તેજ
આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણીના સંદર્ભમાં આ વીડિયો રાજકીય ચર્ચાઓને વધુ વેગ આપી રહ્યો છે. જોકે, અત્યાર સુધી કોઈપણ પક્ષે સત્તાવાર ફરિયાદ કે નિવેદન આપ્યું નથી.
શાંતિપૂર્ણ ચૂંટણી માટે માંગ ઉઠી
ચૂંટણી નજીક આવતા રાજકીય સ્પર્ધા હવે ખુલ્લા ટકરાવમાં ફેરવાઈ રહી છે. જામનગરના નાગરિકોમાં શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર અને પોલીસ દ્વારા કડક દેખરેખ રાખવાની માંગ ઉઠી રહી છે.
