chardham-yatra/ શરૂ થવા જઈ રહી છે ચારધામ યાત્રા, જોશીમઠ રસ્તો હજુ પણ જોખમમાં

ચારધામ યાત્રાનો રસ્તો જોશીમઠથી જ પસાર થાય છે. યાત્રા શરૂ થવામાં માત્ર બે મહિના જ બાકી રહ્યા છે, પરંતુ બદરીનાથ હાઈવે ઉપર વિવિધ જગ્યાએ ખાડા પડી ગયા છે. રસ્તા ઉપર 10 ફૂટ સુધી ઊંડા ખાડા…

Mantavya Exclusive
Chardham Yatra about to start

Chardham Yatra about to start: 22 એપ્રિલ 2023થી ચારધામ યાત્રા શરૂ થવાની છે. લગભગ સવા લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જોકે, ચારધામ યાત્રાનો રસ્તો જોશીમઠથી જ પસાર થાય છે. યાત્રા શરૂ થવામાં માત્ર બે મહિના જ બાકી રહ્યા છે, પરંતુ બદરીનાથ હાઈવે ઉપર વિવિધ જગ્યાએ ખાડા પડી ગયા છે. રસ્તા ઉપર 10 ફૂટ સુધી ઊંડા ખાડા પણ છે. આવો જોઈએ કેવી રીતે થશે, ચારધામ યાત્રા…

20 ફેબ્રુઆરીએ જોશીમઠમાં રેલવે ગેસ્ટ હાઉસ પાસે લગભગ 10 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે, આ ખાડો સામાન્ય નથી, પરંતુ જોશીમઠની જમીન ધસી જવા સાથે જ જોડાયેલો છે. જોશીમઠ પાસે બદરીનાથ નેશનલ હાઈવે ઉપર લગભગ 10 અન્ય મોટી તિરાડો પડવાની જાણકારી મળી છે.

26 ફેબ્રુઆરીએ પણ બદરીનાથ નેશનલ હાઈવે ઉપર ભુસ વડિયાર પાસે અચાનક પાણી વહેવા લાગ્યું હતું. ત્યાર બાદ આ અંગે એવું ઉલ્લેખવામાં આવ્યું કે ખેતી માટે બનાવવામાં આવેલી પાઇપલાઇન ફાટી જવાના કારણે આવું બન્યું છે. જોશીમઠની SDM કુમકુમ જોશી ઘટનાસ્થળે પહોંચી અને જણાવ્યું કે પાણી વહેવાથી રસ્તાને નુકસાન થયું છે, ભારે વાહનોની અવર-જવર રોકી દેવામાં આવી છે.

શ્રદ્ધાળુઓ બદરીનાથ કેવી રીતે પહોંચશે

ચારધામ યાત્રા બદરીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીથી પસાર થાય છે. જોશીમઠના સુનીલ, સ્વી, મનોહરબાગ, ટિનાગ, સિંહધાર, મારવાડી, ચુનાર, ગાંધીનગર, રવિગ્રામ, કોઠિલામાં મકાન અને ખેતરમાં નવી તિરાડો પડી રહી છે. જોશીમઠ રેલવે રિઝર્વેશન કેન્દ્રની સામે બદરીનાથ હાઈવે ઉપર બે દિવસ પહેલાં પડેલા એક ખાડાને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન -BROની ટીમે પથ્થર નાખીને ભરવાનું કામ શરૂ કર્યું છે. રોપ-વે ક્રોસિંગ પાસે પણ મોટો ખાડો પડી ગયો છે. જોશીમઠ અને મારવાડીની વચ્ચે 10 કિલોમીટરના અંતરમાં નવી તિરાડો પડવાની વાત જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના સંજય ઉનિયાલે પણ માની છે. સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા અતુલ સતીએ કહ્યું- ‘હજુ તો થોડાં જ વરસાદમાં આ ખાડા અને તિરાડો પડી રહી છે. બે મહિના પછી જ્યારે અહીંથી હજારો વાહન અને લાખો લોકો પસાર થશે ત્યારે શું થશે?’

બીજી બાજુ, મામલતદાર રવિ શાહે પરિસ્થિતિ કાબૂમાં છે તેવું જણાવ્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ચારધામ યાત્રા માટે જોશીમઠનો આ રસ્તો અને બદરીનાથ હાઈવે તૈયાર છે? હાલ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના હેઠળ જોશીમઠમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન પણ જોશીમઠ શહેરમાં કેમ્પ બનાવશે. તેમાં કોઈ ઇમર્જન્સી આવે ત્યારે ટીમ રાહત માટે તરત પહોંચી શકશે. કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજયેન્દ્રના જણાવ્યા પ્રમાણે ‘ટૂરિઝમ વિભાગ આ વર્ષે ચારધામ યાત્રામાં યાત્રીઓની સીમા નક્કી કરી શકે છે. ચારધામ યાત્રામાં રેકોર્ડ 40 લાખથી વધારે શ્રદ્ધાળુઓના આવવાનું અનુમાન છે.’

જોશીમઠમાં તિરાડો વધી રહી છે

ભલે ઉત્તરાખંડ સરકાર ચારધામ યાત્રાની તૈયારીમાં જોડાયેલી હોય, પરંતુ જોશીમઠના લોકોને હજુ પણ ચિંતા છે કે તેમનાં ઘર કેવી રીતે બચશે, તેઓ ક્યાં રહેશે. તિરાડો વધી રહી છે અને તિરાડોવાળા ઘરને છોડીને કેમ્પ અને અન્ય જગ્યાએ રહેલા લોકોને સ્થાયી રહેણાક અને વળતર મળી શક્યું નથી. જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના સંયોજક અતુલ સતી કહે છે કે ‘નરસિંહ મંદિર જતા રસ્તામાં નવી તિરાડો જોવા મળી રહી છે. આ જ રસ્તો જોશીમઠથી બદરીનાથ જવાનો મુખ્ય માર્ગ છે.’ સતીના જણાવ્યા પ્રમાણે, જોશીમઠથી મારવાડી જતા રસ્તામાં નવી તિરાડો જોવા મળી છે, આ રસ્તાનો ઉપયોગ યાત્રી બદરીનાથથી પાછા ફરવા માટે કરે છે અને ત્યાર બાદ જોશીમઠના મુખ્ય શહેરમાંથી પસાર થાય છે.

જોશીમઠમાં ઘરમાં તિરાડ પડવાનો સિલસિલો 50 દિવસ પહેલાં શરૂ થયો હતો. શરૂઆતમાં તો ખૂબ જ ચર્ચા થઈ, દિવસ-રાત ટીવી ઉપર કવરેજ કરવામાં આવ્યું, પરંતુ હવે જોશીમઠ ઉપર કોઈનું ધ્યાન નથી. લગભગ 50 દિવસથી જોશીમઠ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક વખત રેલીઓ પણ કાઢવામાં આવી હતી. લોકોનો આરોપ છે કે સરકાર માત્ર વાતને ટાળી રહી છે. આંદોલનના નેતા અતુલ સતીએ જણાવ્યું કે સરકારે ટૂંક સમયમાં જાહેરાત કરવી જોઈએ કે આપત્તિ અસરગ્રસ્તો માટે પુનર્વસન, વિસ્થાપન અને વળતરની રકમ કેટલી છે. લોકોના રહેવાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારની છે. 900 પરિવારોએ ઘર છોડ્યું, હોટલ-સંબંધીઓના ઘરમાં રહી રહ્યા છે.

સરકારી આંકડા પ્રમાણે, જોશીમઠ શહેરમાં અત્યાર સુધી કુલ 868 ઘરમાં તિરાડ પડી છે, ત્યાં જ, 181 ઘર અસુરક્ષિત ઝોનમાં છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર ગાંધીનગર, સિંહધાર, મનોહરબાગ અને રવિગ્રામ છે. લગભગ 900 પરિવારોએ ઘર છોડ્યું છે અને તેમને સરકારી બિલ્ડિંગ અને હોટલમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોશીમઠની નજીક 40 પ્રાઇવેટ હોટલમાં પરિવારને રાખવામાં આવ્યા હતા, જે હજુ પણ આ હોટલમાં રહે છે. લગભગ 149 પરિવાર તેમના સંબંધીઓને ત્યાં જતા રહ્યા છે અથવા ભાડાના મકાનમાં રહેવા લાગ્યા છે. સરકારનો દાવો છે કે અત્યાર સુધી પીડિતોને તેમના નુકસાનના આધારે 5 હજારથી 1 લાખ રૂપિયાની પ્રત્યેક પરિવારને મદદ કરવામાં આવી છે. જેના ઉપર 6 કરોડ 34 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જોશીમઠની હોટલોમાં માત્ર પીડિતો રહે છે

જોશીમઠની મોટાભાગની હોટલમાં પીડિતો રહે છે. હોટલ માલિક નવનીત સતીના જણાવ્યા પ્રમાણે ‘જોશીમઠની અનેક હોટલ ડેન્જર ઝોનમાં આવી ગઈ છે. જે હોટલ ડેન્જર ઝોનની બહાર છે, ત્યાં પહેલાંથી જ પીડિતોના પરિવાર રહે છે. પહેલાં જોશીમઠમાં ચારધામ યાત્રિકો રોકાતા હતા, જે આ વખતે શક્ય નથી. હોટલ પહેલાંથી જ પીડિતોથી ભરેલી છે, યાત્રીઓના રોકાવા માટે જગ્યા જ નથી. સરકારે વિચારવું જોઈએ કે જો આવી જ પરિસ્થિતિ રહી તો યાત્રા કેવી રીતે થશે.

દરેક વખતે ચારધામ યાત્રા પહેલાં માલિકો પોતાની હોટલનું સમારકામ કરાવતા હતા. આ વખતે સમારકામનો સમય જ નથી. અતુલ સતીએ જણાવ્યું કે- ‘હોટલ માલિકને બીક લાગી રહી છે કે જો તેઓ પોતાની હોટલનું સમારકામ કરાવવામાં 3-4 લાખ રૂપિયા ખર્ચ કરશે અને હોટલમાં તિરાડો પડશે તો બધા જ રૂપિયા બરબાદ થઈ જશે.’

‘શહેરમાં ભયનું વાતાવરણ છે, જે ઘરમાં તિરાડો પડી હતી, તે તિરાડો હવે વધી રહી છે. થોડાં નવાં ઘરમાં પણ તિરાડો જોવા મળી રહી છે. આવા વાતાવરણમાં ચારધામ યાત્રા કેવી રીતે થશે તે સમજાઈ રહ્યું નથી.’ ઉત્તરાખંડ પરિવહન મહાસંઘના અધ્યક્ષ સુધીર રાય જણાવે છે કે ‘અમને જાણકારી મળી છે કે જોશીમઠના રોડ ઉપર 10 ફૂટનો ખાડો પડી ગયો છે. હજુ તો ત્યાં સામાન્ય ટ્રાફિક છે. યાત્રા શરૂ થશે તો લાખો ગાડીઓ ત્યાંથી પસાર થશે અને જો રસ્તામાં આવા જ ખાડા અને તિરાડ પડવા લાગશે તો યાત્રામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થશે.’

25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખૂલશે

ઉત્તરાખંડના ટૂરિઝમ મંત્રી સતપાલ મહારાજે 24 ફેબ્રુઆરીએ ચારધામ યાત્રા માટે મિટિંગ કરી અને બધા જ વિભાગોને કહ્યું કે તેઓ યાત્રા માટે સંપૂર્ણ તૈયારી કરી લે. યાત્રા દરમિયાન લોકેશનની કેપિસિટીનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. કોઈપણ જગ્યાએ ભીડ ન હોય, તેની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ -PWD, નેશનલ હાઈવે અને BROને રસ્તાનું સારી રીતે સમારકામ કરવાનો આદેશ આપ્યો છે. 2023ની ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજ એટલે કે 22 એપ્રિલથી થશે. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલશે. કેદારનાથ ધામના કપાટ 25 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલના રોજ ખૂલશે. યાત્રી ટૂરિઝમ વિભાગની વેબસાઇટ registration and tourist care.uk.gov.in ઉપર લોગ ઓન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાં જ વોટ્સએપ નંબર- 8394833833 અને ટોલ ફ્રી નંબર 1364 પણ જાહેર કર્યો છે, તેના દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

જોશીમઠની જમીન કેમ ધસી રહી છે?

ઉત્તરાખંડ સરકારે જણાવ્યું કે જોશીમઠમાં જમીન ધસી જવાની ઘટના એક કુદરતી આફત છે અને તમામ પહાડી વિસ્તારના શહેરનો અભ્યાસ કરવામાં આવશે. પ્રદેશના મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ દેહરાદૂનમાં કહ્યું કે કુદરતી આફત એ છે, જે માનવસર્જિત ના હોય. તેમણે કહ્યું જોશીમઠમાં જમીન ધસી જવી તેને કુદરતી આફત જ કહેવાય.

મુખ્ય સચિવે કહ્યું કે અત્યાર સુધી જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. તે મુજબ જોશીમઠની નીચે મજબૂત ખડકો નથી અને તેથી ત્યાં જમીન ધસી રહી છે. તેમણે કહ્યું કે આ કારણ છે કે જે શહેરોમાં જમીન નીચે મજબૂત ખડકો છે, ત્યાં જમીન ધસી જવાની સમસ્યા થતી નથી. સંધુએ કહ્યું કે 1976માં પણ જોશમઠમાં થોડી જમીન ધસી જવાની વાત સામે આવી હતી.

ઘણી સંસ્થાઓ તપાસમાં લાગી

તેમને કહ્યું કે જોશીમઠમાં પાણી નીકળવા વિશેની જાણકારી મેળવવા માટે અલગ અલગ સંસ્થાઓ તપાસમાં લાગી છે. સંધુએ કહ્યું કે નિષ્ણાંતો જોશીમઠમાં તમામ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલો રાજ્ય મંત્રીમંડળની સામે મુકવામાં આવશે અને તેના આધાર પર જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ઈસરો તરફથી જમીન ધસી જવા વિશે કોઈ અધિકૃત રિપોર્ટ નહીં

તેમણે કહ્યું કે તમામ સંસ્થાઓને ઝડપી પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે અને તે તમામ રિપોર્ટના અભ્યાસ માટે એક સમિતિ બનાવવામાં આવશે, જે પોતાનો નિષ્કર્ષ આપશે. એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે ઈસરો તરફથી સરકારને જમીન ધસી જવા વિશે કોઈ અધિકૃત રિપોર્ટ પણ મળ્યો નથી. તેમણે કહ્યું કે તમામ પહાડી વિસ્તારોના શહેરનો અભ્યાસ કરવામાં આવશે, કારણ કે ભૂસ્ખલનની સમસ્યા વધારે સામે આવે છે.

રાહત પેકેજ પ્રસ્તાવ તૈયાર

આ પહેલા ઉત્તરાખંડ મંત્રીમંડળે જોશીમઠના ભૂસ્ખલનથી પ્રભાવિત થયેલા લોકોને સહાયતા રકમ ઉપલબ્ધ કરાવવા માટે એક અઠવાડિયાની અંદર રાહત પેકેજ પ્રસ્તાવ તૈયાર કરી કેન્દ્રને મોકલવા અને તેમને ભાડાના મકાન માટે આપવામાં આવતી રકમ વધારીને 5 હજાર રૂપિયા પ્રતિ માસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી રણજીત સિંહાએ જણાવ્યું કે જિલ્લા-સ્તરીય સમિતિ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ ભૂસ્ખલનથી પ્રભાવિત ઈમારતોને સહાય પૂરી પાડવા માટે એક સપ્તાહની અંદર પેકેજ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

ઉત્તરાખંડનું જોશીમઠ શહેર જમીનમાં સમાઈ જવાનો ખતરો વીતી રહેલા દરેક કલાકની સાથે વધી રહ્યો છે. આ સમગ્ર ક્ષેત્રને ‘સિંકિંગ ઝોન’ એટલે કે ગરકાવ થઈ રહેલું ક્ષેત્ર કહેવાઈ રહ્યું છે. છેલ્લાં 48 કલાકમાં જમીન ધસી પડવાથી તૂટી રહેલાં મકાનોની સંખ્યા 561થી વધીને 603 થઈ ગઈ છે. ઝડપથી બદલી રહેલી પરિસ્થિતિને કારણે સંકટગ્રસ્ત વિસ્તારોમાં રહેનારા હજારો પરિવારને પુનર્વસન કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે. ચમોલીના જિલ્લા અધ્યક્ષ હિમાંશુ ખુરાનાએ લોકોના ઘરે જઈ-જઈને રિલીફ કૅમ્પ (રાહત છાવણી)માં જવાની વિનંતી કરી છે. ચમોલીના જિલ્લા વહીવટી તંત્રએ જોશીમઠ સ્થિત પોતાની સરકારી ઇમારતમાં તિરાડો પડ્યા બાદ તેને ખાલી કરવાની શરૂઆત કરી દિધી છે. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષજ્ઞો સાથે કરેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય એજન્સીઓ સક્રિય થતી જોવા મળી રહી છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે, કેન્દ્ર સરકારે જોશીમઠમાં એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની ચાર ટીમોને મોકલી આપી છે.

ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. યાત્રીઓ આવવાના શરૂ થશે, પરંતુ યાત્રીઓની સુરક્ષાનું શુ? જોશીમઠના સ્થાનિક નિવાસીઓની સુરક્ષાનું શું? ધાર્મિક યાત્રા મંગળમય રહશે કે અમંગળ ઘટના બનશે?

આ પણ વાંચો: Cricket/ પંતે અકસ્માતના 2 મહિના બાદ ખુલીને વાત કરી, કહ્યું – નાની નાની ક્ષણોને માણવાનું શરૂ કર્યું