મહારાષ્ટ્રના રાજકારણમાં દરેક ક્ષણે એક અલગ વળાંક જોવા મળી રહ્યો છે. નારાજ ધારાસભ્યોને મનાવવા માટે મહા વિકાસ અઘાડી ગઠબંધન (MVA) સાથે અલગ થવાના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદન પર NCP તરફથી પ્રતિક્રિયા આવી છે. એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું કે જો કેટલાક લોકો મહા વિકાસ અઘાડીમાંથી બહાર જવા માંગતા હોય તો તેઓ કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે. તેમણે કહ્યું કે સરકાર એક પક્ષ દ્વારા પણ ચલાવી શકાય છે. પાર્ટીમાં આંતરિક મતભેદ હોઈ શકે છે. મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં ત્રણ અલગ-અલગ પક્ષો સામેલ છે. જેમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે સરકારને ઉથલાવી દેવી જોઈએ.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ શિવસેના માટે મુશ્કેલી વધારી રહી છે. એક તરફ શિવસેનાના નેતા એકનાથ શિંદે ઝૂકવા તૈયાર નથી, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેનું વલણ યથાવત્ છે. દરમિયાન સંજય રાઉતનું એક નિવેદન જેમાં તેમણે MVA ગઠબંધનથી અલગ થવાની વાત કરી હતી, તેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં વળાંક આવ્યો છે. સંજય રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યોએ ગુવાહાટીથી મેસેજ ન મોકલવા જોઈએ. તેમણે મુંબઈ આવીને સીએમ સાથે ચર્ચા કરવી જોઈએ. જો તમામ ધારાસભ્યો ઈચ્છે છે કે અમે MVA ગઠબંધનમાંથી બહાર આવીએ તો આ અંગે પણ વાતચીત થશે. તેમણે કહ્યું કે જો ધારાસભ્યોને લાગે છે કે તેઓ એનસીપી અને કોંગ્રેસ સાથે રહેવા માંગતા નથી, તો બેસીને ચર્ચા કરો. અમે સત્તા છોડવા તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે આ ઘટનાની શરૂઆતથી જ માંગ કરી રહ્યા છે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસ છોડીને મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવે. એકનાથ શિંદેએ આજે તેમના સમર્થક ધારાસભ્યોનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં શિવસેનાના 35 ધારાસભ્યો અને સાત અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમની પાસે કુલ 42 ધારાસભ્યોનું સમર્થન છે. આ આંકડાથી એકનાથ શિંદે સરળતાથી ભાજપ સાથે બહુમતી સાબિત કરી શકે છે.
