છત્તીસગઢના જશપુર જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમવારે બપોરે જિલ્લાની આરા ટેકરીઓમાં એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટના બાદ પહાડી વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વૃક્ષો સાથે અથડાઈને વિમાન નીચે ખાબક્યું
સ્થાનિક ગ્રામીણોના જણાવ્યા અનુસાર, આ ખાનગી વિમાન નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલ ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક વિમાન ઉંચા વૃક્ષો સાથે અથડાયું હતું અને જોતજોતામાં જમીનદોસ્ત થઈ ગયું હતું. વિમાન નીચે પટકાતાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી.
પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે
દુર્ઘટનાની જાણ થતા જ જશપુર પોલીસ અને વહીવટી તંત્રની ટીમો દુર્ગમ પહાડી વિસ્તારમાં પહોંચી ગઈ છે. અત્યંત ગાઢ જંગલ અને પહાડી રસ્તો હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. હાલ પોલીસ દ્વારા આગ પર કાબૂ મેળવવા અને વિમાનના કાટમાળમાં તપાસ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
ચાર્ટર્ડ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા?
આ ખાનગી ચાર્ટર્ડ પ્લેનમાં કેટલા લોકો સવાર હતા અને વિમાન ક્યાંથી ક્યાં જઈ રહ્યું હતું, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. વિમાન કોની માલિકીનું હતું તેની પણ તપાસ ચાલી રહી છે. અકસ્માતમાં હજુ સુધી કોઈ મૃતદેહ કે ઈજાગ્રસ્તની પુષ્ટિ થઈ નથી.
