Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ NDCના અધિકારીઓ અને ૧૭ સભ્યોની ટીમે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભારતીય સેનાના મેજર જનરલ અજયકુમાર સિંઘના નેતૃત્વમાં ૧૭ મેમ્બર્સની આ ટીમ મળી હતી. આ ટીમમાં ઈન્ડીયન રેવન્યુ સર્વીસીસ, આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓ ઉપરાંત ઈરાન, બાંગલાદેશ,તાનઝાનીયા, ઉઝબેકિસ્તાન, જાપાન અને ઓમાનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહભાગી થયા હતા.
નેશનલ ડિફેન્સ કોલેજ ભારતીય સશસ્ત્ર દળોના બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ, સિવિલ સર્વિસીસના જોઈન્ટ સેક્રેટરી અને ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ તથા પાર્ટનર કન્ટ્રીઝના વિદેશી લશ્કરી અધિકારીઓ માટે રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યુહાત્મક અભ્યાસ પર અભ્યાસક્રમ ચલાવે છે.આ અભ્યાસક્રમ અંતર્ગત હાલ ૧૭ મેમ્બર્સની એક ટીમ તા. ૨૧ માર્ચ સુધી ગુજરાતની સ્ટડી ટુર પર આવેલી છે.
આ એક અઠવાડિયાની સ્ટડી ટુર દરમિયાન ગુજરાતના બહુવિધ વિકાસલક્ષી પહેલુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં નિર્માણ થયેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ હબ ગિફ્ટ સિટી સહિત ના વિવિધ સ્થળોની મુલાકાત NDCની ટીમના સભ્યો લેવાના છે.
તદનુસાર , વિદ્યા સમીક્ષા કેન્દ્ર ,સાબરમતી આશ્રમ, ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ અને સાબરકાંઠાના વધરાડમાં ઈન્ડો-ઈઝરાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વિશ્વખ્યાત અમુલ ડેરી આણંદ તથા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પણ આ ટીમ જવાની છે.વડોદરામાં C-295 એરક્રાફટ એસેમ્બલી યુનીટ તેમજ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લઈને ટીમના સભ્યો શુક્રવાર ૨૧મી માર્ચે દિલ્હી પરત જવા રવાના થશે.
ગુજરાતના આ બધા સ્થળોના પ્રવાસ મુલાકાત પૂર્વે આ અધિકારીઓની મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ અને સચિવ શ્રીમતી અવંતિકા સિંધ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:’સૌની યોજના દ્વારા’ સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 49 ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે
આ પણ વાંચો:વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને
આ પણ વાંચો:ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક અપ યોજના સ્થગિત કરવામાં આવી,ટૂંકમાં સત્તાવાર જાહેરાત