ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચંપાવતથી ચૂંટણી લડશે. ચંપાવતના ધારાસભ્ય કૈલાશ ચંદ્ર ગહાતોડીએ તેમના માટે બેઠક ખાલી કરી દીધી છે.2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં જંગી જીત મેળવી હતી. કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે 70માંથી 47 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર 19 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ચાર બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા હરીશ રાવત તેમની લાલકુઆન બેઠક હારી ગયા અને મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ તેમની ખાતિમા બેઠક ગુમાવી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ઘણા ધારાસભ્યોએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી માટે પોતાની સીટ ખાલી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચંપાવતના બીજેપી ધારાસભ્ય કૈલાશ ગહાતોડીએ સૌપ્રથમ પોતાની સીટ ખાલી કરવાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન બન્યા બાદ ધામીએ પ્રથમ ચંપાવતની મુલાકાત લીધી હતી. આનાથી ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ અહીંથી પેટાચૂંટણી લડી શકે છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ છ મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી હતું. હવે ઉત્તરાખંડમાં વિધાન પરિષદ ન હોવાથી તેમણે વિધાનસભાની ચૂંટણી લડીને ગૃહમાં પહોંચવું પડ્યું હતું. હવે સ્પષ્ટ છે કે ચંપાવત વિધાનસભા સીટ પરથી જ ચૂંટણી લડશે.
