Panchmahal News/ પંચમહાલના શહેરામાં માનવતા શર્મસાર! કાંટાની ઝાડીઓમાં ત્યજી દેવાયેલી બાળકી મળી આવી

Panchmahalના શહેરા તાલુકાના જંગલમાં કાંટાની ઝાડીઓ વચ્ચેથી એક નવજાત બાળકી મળી આવી છે. લાકડા વીણવા ગયેલા યુવકે બાળકીને બચાવી. જાણો શું છે સમગ્ર ઘટના.

Gujarat Top Stories Others
Panchmahal Shehra News

Panchmahal Shehra News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આજે (28 ફેબ્રુઆરી) માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. કોઈ કઠણ કાળજની માતાએ પોતાના નવજાત શિશુને કાંટાની ઝાડીઓમાં મરવા માટે છોડી દીધું હતું. જોકે, કુદરત જેને રાખવા માંગતું હોય તેને કોઈ મારી શકતું નથી. લાકડા વીણવા ગયેલા એક સ્થાનિક યુવકની સતર્કતાને કારણે આ માસૂમ બાળકીનો જીવ બચી ગયો છે.

ઝાડીઓમાંથી સંભળાયો રડવાનો અવાજ

મળતી માહિતી મુજબ, શહેરાના જંગલ વિસ્તારમાં કમલેશભાઈ નામના સ્થાનિક વ્યક્તિ લાકડાં વીણવા માટે ગયા હતા. જંગલના નિર્જન અને શાંત વાતાવરણમાં અચાનક તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. કમલેશભાઈએ અવાજની દિશામાં જઈને તપાસ કરી તો દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. કાંટાની ઝાડીઓ વચ્ચે એક નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં પડી હતી.

Panchmahal Shehra News

કાંટા વાગવાથી બાળકીના શરીર પર થઈ ઈજાઓ

બાળકીને કાંટાની ઝાડીઓમાં ફેંકવામાં આવી હોવાથી તેના કુમળા શરીર પર કાંટા વાગ્યા હતા અને તેને ઈજાઓ થઈ હતી. હિંસક પશુઓથી ભરેલા આ જંગલમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટી શકી હોત, પરંતુ તે પહેલા જ કમલેશભાઈ ત્યાં પહોંચી ગયા અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી. તેમણે તાત્કાલિક સ્થાનિકોની મદદ લીધી અને બાળકીને સારવાર માટે ખસેડી હતી.

Panchmahal : ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

ઘટનાની જાણ થતા જ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. બાળકીને વધુ સારી સારવાર મળી રહે તે માટે હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે. બીજી તરફ, શહેરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આ પાપ કરનાર નિર્દયી માતા કે પરિવારની શોધખોળ હાથ ધરી છે.


આ પણ વાંચો: પંચમહાલમાં સસરાને બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી મોત

આ પણ વાંચો: પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ

આ પણ વાંચો: માફિયાઓની નજર અધિકારીઓ પર! પંચમહાલમાં ખનન ચોરીનો ખતરનાક ખેલ!