Ahmedabad News/ IPL ફાઇનલથી મેટ્રોમાં રેકોર્ડ ભીડ

IPL Final જેવા વિશાળ ઇવેન્ટ દરમિયાન લાખો લોકોની અવરજવર વચ્ચે અમદાવાદ મેટ્રોએ અસરકારક આયોજન અને વધારાની સેવાઓ દ્વારા મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવ્યો હતો

Top Stories Ahmedabad Gujarat
31 મે 2026ના IPL Finalના દિવસે આ સંખ્યા વધીને 1,95,868 સુધી પહોંચી હતી

Ahmedabad News :  નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2026ની ફાઇનલ મેચે માત્ર ક્રિકેટપ્રેમીઓમાં જ નહીં પરંતુ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાઓમાં પણ નવો રેકોર્ડ સર્જ્યો છે. મેચના દિવસે મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં ઐતિહાસિક વધારો નોંધાતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)ને મોડી રાત સુધી વિશેષ સેવાઓ શરૂ રાખવાની ફરજ પડી હતી.

ક્રિકેટ ચાહકોની ભારે અવરજવરને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવાઓ રાત્રે 2:19 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી. સામાન્ય દિવસોની સરખામણીએ 77 હજારથી વધુ વધારાના મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મુસાફરોની કુલ સંખ્યા લગભગ 2 લાખની નજીક પહોંચી ગઈ હતી.

66 ટકા જેટલો જંગી વધારો

GMRC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 24 મે 2026ના સામાન્ય રવિવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં કુલ 1,17,939 મુસાફરોએ યાત્રા કરી હતી. જ્યારે 31 મે 2026ના IPL Finalના દિવસે આ સંખ્યા વધીને 1,95,868 સુધી પહોંચી હતી.

માત્ર એક જ દિવસમાં 77,929 વધારાના મુસાફરો નોંધાતા મેટ્રો યાત્રીઓની સંખ્યામાં આશરે 66 ટકાનો વધારો નોંધાયો હતો. આ આંકડો અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી મોટા વધારાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે.

ભીડને પહોંચી વળવા 62 સ્પેશિયલ ટ્રેનો

મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં હજારો ક્રિકેટરસિકો એકસાથે મેટ્રો સ્ટેશનો તરફ ઉમટી પડ્યા હતા. મુસાફરોને સરળતાથી ગંતવ્યસ્થાને પહોંચાડવા માટે GMRCએ નિયમિત સમયપત્રક ઉપરાંત 62 વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી.

શરૂઆતમાં મેટ્રો સેવા મધ્યરાત્રિએ 12:30 વાગ્યા સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે સ્ટેડિયમ બહાર સતત વધી રહેલી ભીડને ધ્યાનમાં રાખીને સેવા વધુ સમય સુધી ચાલુ રાખવામાં આવી હતી.

ક્યારે ઉપડી છેલ્લી ટ્રેન?

  • મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી APMC તરફ છેલ્લી ટ્રેન રાત્રે 2:19 વાગ્યે રવાના થઈ હતી.
  • પૂર્વ-પશ્ચિમ કોરિડોરની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે ઓલ્ડ હાઇકોર્ટ સ્ટેશનથી છેલ્લી ટ્રેન રાત્રે 2:45 વાગ્યે દોડાવવામાં આવી હતી.
  • ગાંધીનગર તરફ જતા મુસાફરો માટે મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:24 વાગ્યે ઉપડી હતી.

સફળ ટ્રાફિક મેનેજમેન્ટનું ઉદાહરણ

IPL Final જેવા વિશાળ ઇવેન્ટ દરમિયાન લાખો લોકોની અવરજવર વચ્ચે અમદાવાદ મેટ્રોએ અસરકારક આયોજન અને વધારાની સેવાઓ દ્વારા મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવ્યો હતો. મેટ્રો તંત્રના આ આયોજનને કારણે સ્ટેડિયમ વિસ્તાર અને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક દબાણ ઘટાડવામાં પણ મદદ મળી હતી.


આ પણ વાંચો :  અમદાવાદમાં IPL 2026 ફાઈનલ ટિકિટોની કાળાબજારી પર પોલીસનો પ્રહાર, 7 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો :  આજે IPL ફાઈનલ : સમાપન સમારોહની થીમ ઓપરેશન સિંદૂર, ઓનલાઈન 80 હજાર ટિકિટોનું વેચાણ

આ પણ વાંચો :  આજે નહીં પણ કાલે થઈ શકે છે IPL ફાઈનલ, ગત સિઝનમાં પણ બન્યું હતું આવું