આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ગાંધીનગર ખાતે વિધાનસભા હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. ભાજપના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા આદેશ પણ અપાયા હતા. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વિધાનસભા હોલ પહોંચ્યા હતા. બેઠકમાં ભાજપપ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પણ હાજરી હતી.ભાજપ સંગઠનના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની સરકારને બદલે રાજ્યની નેતૃત્વની કમાન અન્ય કોઈને આપવાની અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ બેઠકના અંતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં કોઈપણ પ્રકારે નેતૃત્વનું પરિવર્તન થશે નહીં. જેના કારણે નેતૃત્વ અંગેની રાજકીય અટકળોનો અંત આવ્યો છે. ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની મુલાકાત બાદ અટકળો ચાલતી હતી. અને ભૂપેન્દ્ર યાદવ દ્વારા એક પછી એક બેઠકના કારણે ગુજરાતમાં નેતૃત્વનું પરિવર્તન થશે તેવી વાતોને વેગ મળ્યો હતો.જેને અંતે પૂર્ણવિરામ મુકાયો હતો.
આજે વિધાનસભા ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં મહત્વના સૂચનો કરાયા છે. આ બેઠકમાં સરકાર અને સંગઠન તાલમેલ સાથે વધુ મજબૂત બનાવવા સૂચનો થયા છે. ગાંધીનગર વિધાસભામાં ભાજપના ધારસભ્યોની બેઠકમાં પાર્ટીની કામગીરી અંગે મહત્વના નિર્ણય કરાયા છે. તમામ ભાજપના ધારાસભ્યોએ પોતાની કામગીરીનો રિપોર્ટ પાર્ટીમાં રજૂ કરવો પડશે.દિવસ દરમિયાનની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. ધારાસભ્યોએ કોરોના કામગીરી કે વિકાસની કામગીરીનો રિપોર્ટ આપવો પડશે. અને આ રિપોર્ટ ફોટો અને વિડીયો સાથે કમલમ જમા કરાવવો પડશે.

