ભુજ નગરપાલિકામાં વધારાના કર્મચારીઓને છુટા કરવા માટે ચીફ ઓફિસરે સૂચના આપી છે. જેના પગલે કર્મચારીઓ પર કોરોના કાળમાં નોકરીની તલવાર લટકી રહી છે.
ભુજ સુધરાઈમાં જરૂરત કરતાં વધારે સ્ટાફ હોવાથી નવા આવેલા મુખ્ય અધિકારી દ્વારા જે-તે બ્રાંચહેડ તથા શાખાના જવાબદારોને ચકાસણી કરી મંજૂરી વિના ભરતી કરાયેલા કર્મચારીઓને છૂટા કરવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે અનેકના મોઢે ચિંતા ફેલાઈ હતી. ભુજ સુધરાઈ ખાતે ચાર્જ સંભાળતાં જ નવા મુખ્ય અધિકારી મનોજ સોલંકીએ મહેકમ તપાસતાં કચેરીમાં મંજૂરી વિના જરૂરતથી વધારે સ્ટાફ હોવાનું જણાઇ આવ્યું હતું.
તેમજ કચેરીના સ્વભંડોળ પર આવા કર્મીઓનું ભારણ ઘટાડવા અલગ-અલગ શાખાના જવાબદારોને બિનજરૂરી સ્ટાફને છૂટા કરવા સૂચના અપાઈ છે. અગાઉ લોકલ ફંડ, આર.સી.એમ. રાજકોટ કચેરીએથી નગરપાલિકાને સૂચનાઓ અપાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી.
જેથી જો આ અંગે ગંભીરતા લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઓડિટ રિપોર્ટ, સરકારની ચકાસણીમાં સંપૂર્ણ જવાબદારી સંબંધિત શાખાના અધિકારીની રહેશે તેવું સર્ક્યુલરમાં જણાવાયું હતું. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું કે,વધારાના બિનજરૂરી સ્ટાફથી નગરપાલિકાનો આર્થિક બોજો વધે છે. તેમજ સ્વભંડોળ પર અસર પડે છે. જેથી બિન જરૂરી સ્ટાફને દુર કરવા સૂચના અપાઈ છે. નગરપાલિકામાં વધારે ભંડોળ હશે તો શહેર અને નગરજનોની સુખાકારી માટે વધુ સારા પ્રયાસો અને કામો કરી શકાશે.
