Surat Pollution: સુરત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યા હોવા છતાં, ખજોદ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી આગે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગથી ઉઠતા ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે જીવન મુશ્કેલ બની ગયું છે.
10 દિવસથી આગ, લોકો ઘરમાં જ કેદ
ખજોદ ડમ્પિંગ યાર્ડમાં લગભગ 10 દિવસથી આગ સળગી રહી છે. જેના કારણે ધુમાડો અને દુર્ગંધ (Surat Pollution) એટલી વધી ગઈ છે કે આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. બારીઓ બંધ રાખવી પડે છે અને અનેક લોકો માસ્ક પહેરીને જ ઘર અંદર રહે છે.
સોસાયટી રહીશોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચેતવણી
આગમ હાઈટ્સ અને સનફ્લાવર સોસાયટી સહિત અનેક સોસાયટીઓના રહીશોએ તંત્ર સામે ખુલ્લી ચેતવણી આપી છે. લગભગ 2000થી વધુ મતદારો ધરાવતી સોસાયટીઓએ જાહેર કર્યું છે કે, જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. રહીશોના જણાવ્યા મુજબ, “જો અમારું આરોગ્ય સુરક્ષિત નથી, તો વોટ આપવાનું કોઈ કારણ નથી. પહેલા સમસ્યા ઉકેલો, પછી જ મત માંગવા આવો.”

Surat Pollutionના લીધે સ્વાસ્થ્ય પર ગંભીર અસર
સ્થાનિક રહીશોનું કહેવું છે કે સતત ધુમાડા કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતર અને દુર્ગંધ જેવી સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઘણા પરિવારોને ‘મિની લોકડાઉન’ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આગ પાછળ શંકા: ગેરરીતિનો આક્ષેપ
રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ડમ્પિંગ સાઈટ પર વારંવાર આગ લાગવી સ્વાભાવિક નથી. કચરાના નિકાલ માટે કરોડોના કોન્ટ્રાક્ટ હોવા છતાં આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે, તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક લોકોએ આને ‘કચરા કૌભાંડ’ સાથે પણ જોડ્યું છે અને પારદર્શક તપાસની માંગણી કરી છે.
તંત્ર પર ઉદાસીનતાના આક્ષેપ
સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ જવાબદાર કોર્પોરેટર કે અધિકારી સ્થળ પર આવીને સમસ્યાનો સીધો નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો નથી. જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
કડક પગલાંની માંગ
ખજોદ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક એક્શન જરૂરી છે. જો આગ પર નિયંત્રણ અને કચરા વ્યવસ્થાપન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં નહીં આવે, તો રહીશો આંદોલન અને કાયદેસરની કાર્યવાહી તરફ આગળ વધશે.
આ પણ વાંચો:ગુજરાતમાં 957 કરોડ રૂપિયાનો ધુમાડો,છતાં વાયુ,જળમાં પ્રદૂષણ
આ પણ વાંચો:Surat Pollution: ધમધમતી ડાઇંગ મિલોના લીધે રહેણાક વિસ્તારોમાં દહેશત
આ પણ વાંચો:સાબરમતીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટની ફટકાર પછી AMC ઘોર નિંદ્રામાંથી જાગી
