World News/ અમેરિકન વિઝા માટે નવો નિયમ: 17 વર્ષ સુધીના દરેક બાળકની રૂબરૂ હાજરી ફરજિયાત

અમેરિકન વિઝા માટે નવજાતથી 17 વર્ષ સુધીના તમામ સગીર અરજદારોને હવે રૂબરૂ ઈન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે. માતા-પિતા બાળક વતી એકલા હાજર રહી શકશે નહીં.

international World Breaking News
US visa

World News: અમેરિકન વિઝા (US Visa) માટે અરજી કરનારા પરિવારોને હવે નવા નિયમનું પાલન કરવું પડશે. નવજાત શિશુથી 17 વર્ષ સુધીના દરેક સગીર અરજદારે વિઝા ઈન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવું પડશે. માતા-પિતા બાળક વતી એકલા હાજર રહી શકશે નહીં.

US Visa નિયમોમાં મોટો ફેરફાર, સગીરો માટે ઈન્ટરવ્યૂ ફરજિયાત

ભારત ખાતેની અમેરિકન એમ્બેસીએ વિઝા પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. નવા નિયમ મુજબ નવજાત શિશુથી લઈને 17 વર્ષની ઉંમર સુધીના તમામ સગીર (Minor Applicants)અરજદારોએ કોન્સ્યુલર ઈન્ટરવ્યૂ (Visa Interview)માં વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. આ ફેરફાર બાદ નાના બાળકોને ઈન્ટરવ્યૂમાંથી આપમેળે છૂટ મળશે તેવી માન્યતા હવે લાગુ નહીં પડે. માતા-પિતા અથવા વાલી બાળક વતી એકલા એપોઇન્ટમેન્ટમાં હાજર રહીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે નહીં.

અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના ‘વિઝા ફ્રાઈડે’ સેશન દરમિયાન આ અંગે સ્પષ્ટતા કરી છે. તેથી અમેરિકા જવાની તૈયારી કરી રહેલા ભારતીય પરિવારો માટે આ નિયમ ખાસ મહત્વનો બની શકે છે.

અગાઉ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અલગ જોગવાઈ હતી

અગાઉ સામાન્ય રીતે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઈન્ટરવ્યૂ માફીની જોગવાઈ ઉપલબ્ધ હતી. ખાસ કરીને માતા-પિતા બંને પાસે માન્ય અમેરિકન વિઝા હોય ત્યારે કેટલાક કિસ્સામાં બાળક માટે માત્ર જરૂરી દસ્તાવેજો જમા કરાવી પ્રક્રિયા આગળ વધારી શકાતી હતી.

હવે સગીર અરજદારો માટે રૂબરૂ હાજરી અંગેનો નિયમ વધુ કડક બનાવવામાં આવ્યો છે. એટલે નવજાત બાળક હોય કે 17 વર્ષનો કિશોર, વિઝા અરજીની પ્રક્રિયામાં વ્યક્તિગત હાજરી જરૂરી રહેશે. આ ફેરફારને કારણે વાલીઓએ વિઝા એપોઇન્ટમેન્ટ (Visa Appointment)નું આયોજન કરતી વખતે બાળકની હાજરીને પણ ધ્યાનમાં લેવી પડશે.

નિયમ બદલવા પાછળ સુરક્ષા અને ઓળખ મુખ્ય કારણ

અમેરિકન વિઝા પ્રક્રિયામાં કોન્સ્યુલર ઈન્ટરવ્યૂને મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. અધિકારીઓ અરજદારની ઓળખ, દસ્તાવેજો અને વિઝા માટેની યોગ્યતા અંગે જરૂરી ચકાસણી કરે છે. નવા નિયમ પાછળ રાષ્ટ્રીય સુરક્ષા, સરહદી સુરક્ષા અને જાહેર સલામતી સાથે જોડાયેલા કારણોને મહત્વ આપવામાં આવ્યું છે. દરેક સગીર અરજદારને રૂબરૂ મળવાથી અધિકારીઓને ઓળખ અને અરજી સંબંધિત વિગતોની સીધી ચકાસણી કરવામાં મદદ મળી શકે છે..

માતા-પિતાએ કયા દસ્તાવેજો સાથે રાખવા?

બાળક માટે વિઝા અરજી કરતી વખતે માતા-પિતાએ તમામ જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા જરૂરી રહેશે. તેમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, DS-160 કન્ફર્મેશન પેજ અને વિઝા એપોઇન્ટમેન્ટ સંબંધિત જરૂરી દસ્તાવેજોનો સમાવેશ થઈ શકે છે. ઈન્ટરવ્યૂની તારીખ અને સમય નક્કી કરતી વખતે બાળક પણ સાથે હાજર રહી શકે તે રીતે આયોજન કરવાનું રહેશે.


આ પણ વાંચો: અમેરિકન વિઝાના નામે રૂ. 41.75 લાખની છેતરપિંડી…ગુજરાત અને હૈદરાબાદના આરોપીઓ સામે કાર્યવાહી

આ પણ વાંચો: ભારતીયોને પડશે મોજ….અમેરિકન વિઝા મેળવવું બનશે સરળ, શરૂ થઈ રહ્યો છે આ પાયલોટ પ્રોગ્રામ

આ પણ વાંચો: અમેરિકન વિઝા મેળવવું બનશે સરળ, આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો,ભારતીયોને થશે લાભ