રિપોર્ટ/ ચીન વધારી રહ્યું છે હથિયારોનો સ્ટોક, 9 વર્ષમાં 1000 પરમાણુ બોમ્બનો લક્ષ્યાંક

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન એક વર્ષ પહેલા અમેરિકી અધિકારીઓના અંદાજ કરતા વધુ ઝડપથી તેની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે

Top Stories World
cc ચીન વધારી રહ્યું છે હથિયારોનો સ્ટોક, 9 વર્ષમાં 1000 પરમાણુ બોમ્બનો લક્ષ્યાંક

દુનિયાને અંધારામાં રાખીને ચીન પોતાની પરમાણુ શક્તિઓને સતત વધારી રહ્યું છે. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) 2030 સુધીમાં 1,000 થી વધુ હથિયારો બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પેન્ટાગોનના એક નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડક્વાર્ટર દ્વારા “મિલિટરી એન્ડ સિક્યુરિટી ડેવલપમેન્ટ્સ ઇન્વોલ્વિંગ ધ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (પીઆરસી) 2021” શીર્ષક હેઠળનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તે ગયા વર્ષના પેન્ટાગોનના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે વધી જશે. 2020 માં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે અનુમાન લગાવ્યું હતું કે 2030 સુધીમાં ચીન પાસે 400 પરમાણુ હથિયાર હશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન એક વર્ષ પહેલા અમેરિકી અધિકારીઓના અંદાજ કરતા વધુ ઝડપથી તેની પરમાણુ શક્તિ વધારી રહ્યું છે. આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સદીના મધ્ય સુધીમાં અમેરિકી વૈશ્વિક શક્તિ સુધી પહોંચવા અથવા તેને પાર કરવાની યોજના ધરાવે છે.

રિપોર્ટ અનુસાર છ વર્ષમાં ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા વધીને 700 થઈ શકે છે અને 2030 સુધીમાં આ સંખ્યા 1,000થી વધુ થઈ શકે છે. જો કે રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે ચીન પાસે હાલમાં કેટલા હથિયાર છે. પરંતુ એક વર્ષ પહેલા, પેન્ટાગોન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હેડક્વાર્ટર, જણાવ્યું હતું કે તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 200 થી ઓછી છે અને આ દાયકાના અંત સુધીમાં તે બમણી થવાનો અંદાજ છે.

યુ.એસ. પાસે હાલમાં 3,750 પરમાણુ હથિયારો છે અને તેને વધારવાની કોઈ યોજના નથી. 2003 સુધીમાં, યુએસ પરમાણુ શસ્ત્રોની કુલ સંખ્યા લગભગ 10,000 હતી. બિડેન વહીવટીતંત્ર તેની પરમાણુ નીતિની વ્યાપક સમીક્ષા કરી રહ્યું છે. પેન્ટાગોનનો અહેવાલ ડિસેમ્બર 2020 સુધીમાં એકત્ર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે અને તેથી તેમાં જનરલ માર્ક મિલીની ચીની હાયપરસોનિક શસ્ત્રોના પરીક્ષણો વિશે ગયા મહિને તેમણે ઉઠાવેલી ચિંતાનો સમાવેશ થતો નથી.