ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે ‘જે આગ સાથે રમે છે તે પોતાની જાતને બાળે છે’. અમેરિકાએ તાઈવાન મુદ્દે આગ સાથે ના રમવું જોઈએ. હકીકતમાં, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે ગુરુવારે લગભગ અઢી કલાક ફોન પર વાત કરી હતી. દરમિયાન જિનપિંગે બિડેનને ચેતવણી આપી હતી કે તાઈવાન મુદ્દે “આગ સાથે રમત” ન કરો.
ચીનની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુએસ કોંગ્રેસ (સંસદ)ના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનની મુલાકાત લેવાની યોજના બનાવી રહી છે. તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેને ચીન પોતાનો ભાગ માને છે. ચીને કહ્યું કે તે આ મુલાકાતને ઉશ્કેરણીનાં કૃત્ય તરીકે જોશે. લગભગ અઢી કલાક સુધી ચાલેલી વાતચીતમાં ચીને તાઈવાનને લઈને પોતાની ચિંતા અમેરિકા સમક્ષ રજૂ કરી હતી.
નેન્સી પેલોસીની તાઇવાનની સંભવિત મુલાકાતના પગલે ચીનના પ્રમુખે યુ.એસ.ને આપેલી ચેતવણીમાં જણાવ્યું હતું કે, “જે લોકો આગ સાથે રમે છે તેઓ આખરે પોતાની જાતને બાળી નાખે છે.”
સુત્રોના જણાવ્યા અનુસાર, જિનપિંગે ગયા નવેમ્બરમાં બિડેન સાથે વાત કરી ત્યારે તે જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો હતો. જિનપિંગે કહ્યું, “મને આશા છે કે યુએસ પક્ષ આને સંપૂર્ણ રીતે સમજશે.” ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું, “તાઈવાન મુદ્દે ચીનની સરકાર અને લોકોનું વલણ એકરૂપ છે. ચીનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની મજબૂતીથી બચાવ કરવાની 1.4 અબજથી વધુ ચીની લોકોની મજબૂત ઈચ્છા છે.”
