Rajkot News/ રાજકોટમાં ચુવાળીયા કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક, રાજકીય રણનીતિ અને પક્ષપલટાની તૈયારી

ચુવાળીયા કોળી સમાજ, જે છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે, તે હવે પોતાના સમાજને યોગ્ય સ્થાન ન મળવાથી નારાજ છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં આજે ચુવાળીયા કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં સમાજના આગેવાનોએ આગામી રાજકીય રણનીતિ ઘડી. રણછોડભાઈ ઉધરેજાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજકોટ, મોરબી અને વાંકાનેર સહિત છ બેઠકોના આગેવાનોએ ભાગ લીધો. બેઠકમાં સમાજના રાજકીય પ્રભુત્વને વધારવા અને યોગ્ય પ્રતિનિધિત્વ મેળવવા માટેની ચર્ચાઓ થઈ.

ચુવાળીયા કોળી સમાજ, જે છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે, તે હવે પોતાના સમાજને યોગ્ય સ્થાન ન મળવાથી નારાજ છે. રણછોડ ઉધરેજાએ જણાવ્યું, “અમે ભાજપને દાયકાઓથી સમર્થન આપ્યું, પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ વિધાનસભા ટિકિટ કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. ગુજરાતમાં અમારી અઢી કરોડની વસ્તી હોવા છતાં, અમને હંમેશાં અવગણવામાં આવ્યા છે. હવે અમારું પાણી નાકથી ઉપર ચઢી ગયું છે.”

આ બેઠકમાં નિર્ણય લેવાયો કે સૌરાષ્ટ્રભરમાં ચિંતન બેઠકો યોજવામાં આવશે, જેમાં અન્ય આગેવાનોનો મત જાણીને રણનીતિ ઘડાશે. આ પછી, દોઢ લાખ લોકોનું એક મહાસંમેલન યોજીને સમાજના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવશે, જેમાં પક્ષપલટો કરવાનો વિકલ્પ પણ સામેલ છે.

આ બેઠક બે દિવસ અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે યોજાયેલી બંધ બારણેની મુલાકાત બાદ થઈ, જે ચુવાળીયા કોળી સમાજના કોંગ્રેસ સાથે જોડાવાની શક્યતા દર્શાવે છે. ભરતસિંહ સોલંકીએ તેમના સંબોધનમાં સમાજના હિતો અને પ્રતિનિધિત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, દલિત અને આદિવાસી સમાજોને બંધારણીય જોગવાઈઓને કારણે હક્કો મળે છે, પરંતુ કોળી સમાજને તેના હક્ક માટે સંઘર્ષ કરવો પડે છે.

રણછોડ ઉધરેજાએ વધુમાં જણાવ્યું, “રાજકોટ શહેરમાં છ વોર્ડ એવા છે જ્યાં અમારો સમાજ ચૂંટણી લડી શકે, પરંતુ અમને માત્ર એક કે બે ટિકિટ જ મળે છે. ગુજરાતમાં ઓબીસી સમાજના પ્રમુખો બન્યા, પરંતુ કોળી અને ઠાકોર સમાજને કંઈ જ મળ્યું નથી.” તેમણે મંત્રીમંડળમાં મળતા ખાતાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી, ઉદાહરણ તરીકે પુરુષોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ જેવું “છેવાડાનું ખાતું” આપવામાં આવ્યું તેનો ઉલ્લેખ કર્યો.

ચુવાળીયા કોળી સમાજ હવે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા-તાલુકામાં નાની બેઠકો યોજી, સમાજના હિતમાં નિર્ણય લેવાની તૈયારીમાં છે. રણછોડ ઉધરેજાએ સ્પષ્ટ કર્યું કે, “અમે સૌરાષ્ટ્રભરમાં ફરીશું અને પછી નક્કી કરીશું કે કયો રસ્તો સમાજ માટે શ્રેષ્ઠ છે.” આ બેઠકો અને આગામી મહાસંમેલન ગુજરાતના રાજકારણમાં નવું વળાંક લાવી શકે છે, ખાસ કરીને જો સમાજ ભાજપ છોડી કોંગ્રેસ સાથે જોડાવાનો નિર્ણય લે તો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ, યુવતી સાથે દગો કરી દુષ્કર્મ ગુજાર્યું આક્ષેપ

આ પણ વાંચો:દસાડા તાલુકામાં ચુંવાળીયા કોળી સમાજ કોંગ્રેસથી ખફા: નવાજૂનીના એંધાણ

આ પણ વાંચો:રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિભારતી બાપુનું વિવાદિત નિવેદન