Ahmedabad News : અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospiatal)માં આજે 10મું સ્કિન ડોનેશન થયું છે. ઘરે જઇને સ્કિન ડોનેશન મેળવવામા આવ્યું હોવાનો આ ચોથો કિસ્સો છે. અમદાવાદ સિવિલ(Ahmedabad Civil)માં અત્યાર સુધીમાં 10 સ્કિન દાન થયા છે, જેમાંથી કેટલાક લોકોની સ્કિનમાં નવો જીવ આવ્યો છે. લોકો અંગદાન તો કરતા હોય છે પરંતુ હવે સ્કિન દાનની જાગૃતતા જરૂરી છે.
સિવિલ હોસ્પિટલ(Civil Hospital)ના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદે(Dr. Jayesh sachde)એ વિગતો આપતા જણાવેલ કે, તા.19/03/2025ના રોજ રાત્રે 12 કલાકે સિવિલ હોસ્પિટલના સ્કિન બેંકના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો. પારેવડા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં 97 વર્ષના ચંપાબેન નારાયણભાઇ પટેલ અવસાન પામતા તેમના દીકરા કિરીટભાઇની સંમતિથી સ્કિન ડોનેશન માટે કૉલ આવતાં તરત જ સ્કીન બેંકના ડોક્ટરોની ટીમ દાતાના ઘરે પહોંચી બરડાના ભાગેથી ચામડી મેળવી હતી. આ સાથે તારીખ 18/03/2025ના રોજ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ એક દર્દીને સ્કીન બેંકમાં આ રીતે મળેલ ત્વચાનો ઉપયોગ કરી તેના ઘા ની પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી.

ડૉ. સચદે(Dr. Sachde)એ વધુમાં જણાવેલ કે દાનમાં મળેલ ચામડી બાયોલોજીકલ સ્કીન ડ્રેસિંગ તરીકે કામ કરે છે અને આગળ જતા બીજાની લગાવેલ ચામડી નીકળી જાય છે અને કુદરતી રીતે ફરીથી નવી ચામડી બનવાનો સમય મળી રહે છે. દાઝ્યા બાદ શરૂઆતના સમયમાં થતા શરીરમાંથી પ્રોટીન (Protain) વહી જવાના તેમજ ચેપ લાગવાના કોમ્પ્લીકેશનને અટકાવી શકાય છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સ્કીન બેંક ખુલ્યા બાદ અત્યાર સુધીમાં થયેલ આ 10 મું સ્કીન દાન છે તેમજ ઘરેથી મેળવેલ 4થું સ્કીન દાન છે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યું હતુ.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૪ માં એક વર્ષ દરમિયાન કુલ ૩૬ અંગદાન થયા જેણે ૧૨૪ જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા ૧૨૪ અંગોમાં ૭૨ કિડની, ૩૨ લીવર, ૧૩ હ્રદય, એક સ્વાદુપિંડ, ૦૬ ફેફસાનો સમાવેશ થાય છે. વધુમાં આ ૩૬ અંગદાતાઓમાં ૩૨ પુરુષો અને ૦૪ મહિલા બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા અંગદાન કરાયું છે. જેમાં ૨૮ અંગદાતાઓ ગુજરાતના અને અન્ય ૦૮ અંગદાતાઓ અન્ય રાજ્યોના હતા. સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સાથે સાથે સ્કીન દાન માં પણ શ્રેષ્ઠત્તમ કામગીરી આંરભવામાં આવી છે. વર્ષ ૨૦૨૪ માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૦૮ જેટલા સ્કીન દાન પણ થયા.
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં અંગદાન બાદ સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી
આ પણ વાંચો: પત્ની બ્રેઇનડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો, 4 જરુરિયાતમંદોને મળશે નવજીવન
આ પણ વાંચો: ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાંપણયુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ
