World News: અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટો પહેલાં પશ્ચિમ એશિયામાં ફરી તણાવ વધી ગયો છે. Iran (Iran) સાથે વધતા મતભેદોની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થીની શક્યતાઓને નકારી કાઢતાં શાહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીરને પ્રક્રિયાથી દૂર રાખ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ, કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડા પર ડ્રોન હુમલાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર ખાડી ક્ષેત્રમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે.
અમેરિકા- Iran વાટાઘાટો પહેલાં ખાડી વિસ્તારમાં તણાવ
ધ યરુશલમ પોસ્ટના અહેવાલ અનુસાર, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા મંગળવારે સવારે કુવૈત (Kuwait)માં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડા પર ઓછામાં ઓછા ત્રણ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી અમેરિકી અથવા કુવૈતી સત્તાવાળાઓએ જાનહાનિ કે મોટા નુકસાનની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ ઘટનાએ અમેરિકા અને ઈરાન વચ્ચે પહેલેથી જ ચાલી રહેલા તણાવને વધુ ગંભીર બનાવ્યો છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.
ઓમાન નજીક માલવાહક જહાજ પર પ્રક્ષેપણનો હુમલો
યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ પણ માહિતી આપી છે કે ઓમાનના દરિયાકિનારે પસાર થઈ રહેલું એક વેપારી જહાજ અજાણ્યા પ્રક્ષેપણની ઝપેટમાં આવ્યું હતું. હુમલા બાદ જહાજને નુકસાન પહોંચ્યું કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. UKMTOએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ખાડી વિસ્તારમાંથી પસાર થતાં તમામ વેપારી જહાજોને વધારાની સતર્કતા રાખવાની સલાહ આપી છે. તાજેતરના હુમલાઓને કારણે વૈશ્વિક શિપિંગ માર્ગો પર પણ ચિંતા વધી રહી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ઈરાન માટે સમજૂતીનો આ છેલ્લો અવસર છે. જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે તો અમેરિકા જરૂરી હોય તો સૈન્ય કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છે.
