CM Bhupendra Patel meeting Ireland Ambassador: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની આજે ભારતમાં આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલીએ સૌજન્ય મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે વેપાર, ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી વધારવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચેની સાંસ્કૃતિક સમાનતા
આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલીની આ ગુજરાતની પ્રથમ મુલાકાત હતી. તેમણે ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમાનતાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે, બે વર્ષ પહેલાં ડબલીનમાં ભારતીય દૂતાવાસ દ્વારા યોજાયેલી ‘સ્ટેટ કલ્ચરલ ઇવેન્ટ સિરીઝ’માં ગુજરાત પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું હતું.

કયા ક્ષેત્રોમાં થશે સહયોગ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન આયર્લેન્ડ સાથે પરસ્પર હિત ધરાવતા અનેક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ સાધવા માટે ઊંડાણપૂર્વક પરામર્શ કર્યો હતો. આ ચર્ચામાં મુખ્યત્વે વિમાન ભાડાપટ્ટે આપવાના એટલે કે એરક્રાફ્ટ લિઝિંગ વ્યવસાયમાં સહયોગ, ચીપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતના વધતા કદમાં સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની ભાગીદારી, નાણાકીય સેવાઓના આદાન-પ્રદાન તેમજ શિક્ષણ ક્ષેત્રે નવી તકો અને વિનિમય કાર્યક્રમો જેવા મહત્વના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રીએ આયર્લેન્ડના ડેલિગેશનને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. આયર્લેન્ડના રાજદૂતે આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો, જે આગામી સમયમાં ગુજરાત માટે મોટા વિદેશી રોકાણના દ્વાર ખોલી શકે છે. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ પણ ઉપસ્થિત રહ્યા હતા.
