Lifestyle: દાળ કે શાક સિવાય પણ કંઇક અથાણા, ચટણી જેવું ચટપટું ખાવાની ઘણાને ઇચ્છા થાય છે! અમે તમને 5 જ મિનિટમાં તૈયાર થઇ જતી એક ચટપટી ચટણીની રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ અને એ છે ટમેટાની ચટણી (Tomato Chutney)…!
જ્યારે પણ સમય ઓછો હોય અને ભૂખ વધારે ત્યાર બધા અને ખાસ કરીને કામકાજી મહિલાઓ, ગૃહિણીઓ તથા એકલા રહેતા બેચલર સૌને એવી રેસીપી (Recipe)ની ખોજ હોય છે જે ફટાફટ રેડી થઇ જાય અને વળી સ્વાદિષ્ટ પણ હોય! આ માટે તમને શેકેલા ટમેટા ( Roasted Tomato)ની આ ચટણી ઘણી જ કામ આવશે જેને ઝડપથી બનાવીને તમે ગરમાગરમ રોટલી કે પરોઠા સાથે તમે ખાઇ શકશો…દાળ કે શાકની જરુર પણ નહિં પડે!

ટમેટાના સ્વાસ્થ્ય લાભ
ટમેટાં માત્ર રસોઈનો સ્વાદ વધારે છે એટલું જ નહિં, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ એક ‘સુપરફૂડ’ ગણાય છે. તેમાં વિટામિન C, પોટેશિયમ, ફોલેટ અને વિટામિન K (Vitamin C, Potassium, Folate and Vitamin K) ભરપૂર માત્રામાં હોય છે. એમાં હૃદયના સ્વાસ્થ્ય (Heart Health) માટે ઉત્તમ લાઈકોપીન (Lycopene) નામનું શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે જે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઘટાડવામાં અને બ્લડ પ્રેશર (BP)ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. ટમેટાને રાંધવાથી ‘લાઈકોપીન’ ઘટક શરીરમાં વધુ સહેલાઈથી અવશોષિત થાય છે.
આ ઉપરાંત, એ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનમાં મદદરૂપ થવા ઉપરાંત તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. ટમેટા ખાવાથી આંખોનું તેજ પણ વધે છે.
દેસી અને તીખો-ખાટો સ્વાદ
આ ચટણીની વિશેષતા છે એનો દેસી અને તીખો-ખાટો સ્વાદ ..! ટમેટાને હળવા ભૂંજીને બનાવવાથી એમાં સ્મોકી ફ્લેવર (Smoky Flavor) આવી જશે અને આ તમામ ચટણીઓથી બિલકુલ ભિન્ન બનાવે છે. એને બનાવવા માટે ન તો વધારે સામગ્રી જોઇશે, ન લાંબી તૈયારી કે ન કોઇ ખાસ કૂકિંગ સ્કિલની જરુર…આ બેઝીક વસ્તુઓ અને 5 મિનિટનો જ સમય લાગશે…અને તૈયાર થઇ જશે એવી ચટણી કે હરેક આંગળા ચાટતા રહી જશે! તો ચાલો જાણીએ, એ માટેની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે…
શી રીતે બનાવશો ભૂંજેલા ટમેટાની ચટણી (Tomato Chutney)?
ભૂંજેલા ટમેટાની ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 પાકા ટમેટા
1 નાની ડુંગળી
2-3 સૂકા લાલ કે લીલા મરચા
3-4 લસણની કળીઓ
1/2 ચમચી મીઠું
1/2 ચમચી લાલ મરચું
1 ચપટી હીંગ
1/2 ચમચી સરસિયું
બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ગૅસની ઝાળ પર ટમેટાને સરસ રીતે ચિપીયાથી ફેરવીને કે ગ્રીલ પર ભૂંજી લો.
2. જ્યારે એની સ્કિન થોડી બળવા લાગે ત્યારે એ તૈયાર થઇ ગયું એમ સમજવું. આ જ રીતે બંને ટમેટા ઝાળ પર શેકી લેવા.
3. આ ચટણીના લાજવાબ સ્વાદનું રહસ્ય જ આ ભૂંજવાની પ્રક્રિયા છે. હવે એ ગ્રીલ પર લસણ (Garlic) અને લીલા મરચાંને પણ સારી રીતે શેકી લો.

4. આ તમામ સામગ્રી શેકાઇ જાય એટલે ટમેટાની છાલ દૂર કરીને એને એક ખલદસ્તા વડે વાટી લો અથવા તો મિક્સરમાં વાટી લો.
5. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર, બારીક સમારેલી ડુંગળી અને એક ચમચી કાચું સરસિયું (Mustard Oil) મિક્સ કરી લો અને હલાવી લો.
તો તૈયાર છે તમારી શેકેલા ટમેટાની ચટણી…એને તમે શાકની જગ્યાએ રોટલી કે ભાત સાથે ખાઇ શકો છો.
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
આ પણ વાંચો: ચટણી લીલી રાખવા આ નુસ્ખા અપનાવો, 10 દિવસ સુધી રહેશે તાજી!
