Lifestyle: દહીં માત્ર સ્વાદસભર જ નહિં પરંતુ સ્વાસ્થ્યસભર પણ છે. તમે એનો ઉપયોગ કરીને ઘરે પધારેલા મહેમાનોનું સ્વાગત કરીને એમનું દિલ જીતી શકો છો! તો ચાલો જોઇએ, દહીં કે શોલે તરીકે પ્રખ્યાત આ રેસિપી વિશે…
દહીં (Curd) જો ઉત્તમ ક્વોલિટીનું હશે તો આ સ્વદિષ્ટ વાનગી જબરદસ્ત બનશે! એને બનાવવા માટે તમારે એકદમ ઘટ્ટ દહીંનો ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે, આ એક એવી રેસિપી (Recipe) છે જેને ખાવાથી તમને મજા તો પડશે જ, પણ એના સ્વાસ્થ્યલાભ (Health Benefits) પણ અનેક છે. ગુણવત્તા અને પૌષ્ટિકતાથી ભરપૂર દહીં આપણા પાચનમાં સહાયક છે. એ હાડકાંને પણ મજબૂતી બક્ષવામાં મદદરુપ છે. તો ચાલો, આવા ગુણકારી દહીંની રેસિપી, દહીં કે શોલે (Dahi ke Sholey) બનાવવાની સરળ રેસિપી વિશે જાણીએ.

દહીં ખાવાના સ્વાસ્થ્યલાભ
દહીંમાં પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન ડી (Protein, Calcium, Vitamin D) અને અન્ય ઘણા જ પોષક તત્વો હાજર હોવાથી એ ઘણું જ હૅલ્ધી ગણાય છે. ધરે બનાવેલું કે પ્રોબાયોટિક્સ વાળું તૈયાર દહીં પાચન તંત્ર (Digestion)ને સ્વસ્થ રાખે છે. હાડકાં (Bones) મજબૂત બનાવવા ઉપરાંત, એમાં રહેલું કૅલ્શિયમ અને વિટામિન ડી ઑસ્ટિયોપોરોસિસ જેવા રોગોને અટકાવવામાં મદદ કરે છે. દહીં ખાવાથી ત્વચા અને વાળ (Skin & Hair) પણ સારા થાય છે કારણ કે એમાં લૅક્ટિક એસિડ (Lactic Acid) રહેલું હોય છે. આથી જ દહીંને આહારમાં સામેલ કરવું હિતાવહ છે.
શી રીતે બનાવશો દહીં કે શોલે?
દહીં કે શોલે બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
બાંધેલું ઘટ્ટ દહીં 1 કિલોગ્રામ
7 થી 8 બ્રેડની સ્લાઇઝ
છીણેલું ગાજર 1/2 કપ
ઝીણી સમારેલી ડુંગળી 1/2 કપ
ઝીણા સમારેલા કેપ્સિકમ 1/2 કપ
ઝીણી સમારેલી કોથમીર 2 થી 3 ટેબલસ્પૂન
ક્રીમી ચીઝ 2 થી 3 ટીસ્પૂન (વૈકલ્પિક)
ઝીણા સમારેલા મરચાં 2 થી 3 નંગ
મેંદો 2 ટેબલસ્પૂન
આદુ 1 ઇંચનો ટુકડો (બારીક સમારેલું)
સ્વાદાનુસાર સંચળ
શેકેલો જીરા પાઉડર 1/4 નાની ચમચી
તેલ (તળવા માટે)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં દહીંને ઉમેરો. જો દહીં પાણીવાળું હોય તો એને એક મલમલના બારીક કપડામાં બાંધીને એક સ્થળે લટકાવી દો જેથી એનું વધારાનું પાણી નીતરી જાય.
2. હવે બ્રેડ (Bread) સિવાયની તમામ સામગ્રી એમાં મિક્સ કરી લો અને એને સારી રીતે મિક્સ કરી લેવું.
3. હવે એક ચૉપિંગ બોર્ડ પર બ્રેડ લો એની કિનારીઓ કાપી લો અને એક વેલણની મદદથી એને રોલ કરી લો.
4. ત્યારબાદ, એક નાની વાડકીમાં 2 ચમચી મેંદો લઇને એમાં 2 ચમચી પાણી ઉમેરીને એક લઈ જેવું મિશ્રણ બનાવી લો. તે ઘણું પાતળું ન બને એનું ધ્યાન રાખવું. જો પાતળું હોય તો તમે જરુર પ્રમાણે મેંદો ઉમેરી શકો છો.
5. બ્રેડની સ્લાઇઝને સહેજ પાણી લગાવીને એની ઉપર તૈયાર મિશ્રણ મૂકો અને બ્રેડને રોલ કરી લો અને આ રોલની કિનારીને મેંદાની લઈ વડે વ્યવસ્થિત સીલ કરી લો.
6. આ જ વિધિથી બધા જ બ્રેડ રોલ તૈયાર કરી લેવા.
7. એક તાવડીમાં તેલ ગરમ કરવા મૂકો અને જ્યારે તે ગરમ થાય ત્યારે એમાં બ્રેડ રોલ્સને ધીમે-ધીમે ઉમેરો.
8. પ્રથમ ફાસ્ટ ગૅસ પર અને એક-બે મિનિટ પછી ધીમા તાપે ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લેવા.
9. તળેલા તમામ ‘દહીં કે શોલે’ને એક કિચન પેપર પર કાઢી લો જેથી એનું વધારાનું તેલ શોષાઇ જાય.
તૈયાર છે તમારી અફલાતૂન વાનગી…દહીં કે શોલે…તમે કોથમીર-ફુદીનાની ચટણી કે કેચ અપ સાથે એની મજા માણી શકો છો!
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: શિયાળામાં બીમારીઓ રહેશે દૂર, ઘરે બનાવો ખાટો-મીઠો આમળાનો મુરબ્બો…સ્વાદિષ્ટ રેસિપી..!

