Lifestyle: શું તમે દરરોજ બજારમાંથી તૈયાર દહીં (Readymade Curd) લાવીને વાપરો છો? જો તમે પણ આમ કરતા હો તો એક વાર આ ટ્રિક્સ (Tricks)થી ઘરે જ દહીં જમાવવાનો પ્રયાસ કરો. તમને એ સોંઘુ પણ પડશે અને ગુણકારી દહીં પણ ખાવા મળશે!
દહીં એક એવો આહાર છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણો જ લાભકારક સાબિત થાય છે. આપણામાંથી અનેક લોકો તૈયાર દહીંના ડબ્બા કે પેકેટો લાવીને એનો ઉપયોગ કરતા હોય છે. જો તમે ઘરે જ દહીં જમાવશો (Homemade Curd) તો એ તમને સોંઘુ પણ પડશે અને વધારે શુદ્ધ તથા ગુણકારી દહીં ખાવાના લાભ પણ મળશે.

દહીંના સેવનના ફાયદા
જો તમે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે દહીંનું સેવન કરો તો એ તમારા પાચનતંત્રને સુચારુ રીતે કાર્ય કરવા (Gut Health)માં ઘણી મદદ કરે છે. આ ઉપરાંત, હાડકાંને મજબૂત બનાવી રાખવા માટે (Bones’ Health) પણ દહીંને સારું માનવામાં આવે છે. તમારી ઇમ્યુનિટી (Immunity)થી માંડીને વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં દહીં ખાવું સહાયક સિદ્ધ થાય છે. તેમાં હાજર રહેલા ઘટકો હૃદયના સ્વાસ્થ્ય (Heart Health) માટે પણ ઉત્તમ સાબિત થાય છે. આ રીતે, સર્વાંગ સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવી રાખવા માટે દહીં ઘણું જ ગુણકારી ગણાય છે. પોષક તત્વોથી ભરપૂર એવા દહીંથી આપણી તંદુરસ્તી સુપેરે જળવાઇ રહે છે. તમે હવે ઘરે બેઠા જ ગાઢું અને લચકેદાર દહીં જમાવી શકો છો. આ રહી એ અંગેની કેટલીક ટ્રિક્સ…

ઘરે દહીં શી રીતે જમાવવું?
ઘરે ઘાટું અને મલાઇદાર દહીં (Thick & Creamy Curd) જમાવવા માટે તમારે કેટલીક ટ્રિક્સ અને સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે.
1. સૌપ્રથમ તો દહીં જમાવવા માટે તમને ફૂલ ક્રીમ દૂધ (Full Cream Milk)ની જરુર પડશે. આ ઉપરાંત, 2 ચમચી જેટલા દહીંના મેળવણની પણ આવશ્યકતા રહેશે.
2. એક મોટા વાસણમાં જેટલા દૂધનું દહીં બનાવવું હોય એટલા ફૂલ ક્રીમ દૂધને ઉમેરો અને એને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. જ્યાં સુધી દૂધ થોડું ઘટ્ટ ન બની જાય ત્યાં સુધી ઉકાળતા રહો.
3. હવે આ ઉકાળેલા દૂધને ઠંડુ કરી લો. વચ્ચે-વચ્ચે ચમચી વડે એને હલાવતા રહેવું જેથી ઉપર મલાઇની તર ન જામે.
4. જ્યારે દૂધ નવશેકું લાગે એટલે કે, આંગળી બોળી શકાય એટલું જ ગરમ રહે ત્યારે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને એમાં 2 ચમચી દહીં મિક્સ કરી લો. ઉપરની હળવી મલાઇની તરને પણ મિક્સ કરી લેવી.
5. આશરે, 5 થી 7 કલાક સુધી (ઋતુ અનુસાર સમય લાગશે) આ બાઉલને ઢાંકીને રેસ્ટ કરવા માટે એક તરફ મૂકી દેવું. એ જામે ત્યાં સુધી એને હલાવવાની કોશિશ ન કરવી નહિંતર, દહીં નહિં જામે!
6. જ્યારે દહીં જામી જાય ત્યારે એને ફ્રીઝ (Refrigerator)માં મૂકી દેવું જેથી એ વધુ ખટાશ ન પકડે. તો તૈયાર છે તમારું ઘટ્ટ અને મલાઇદાર, ઘરે તૈયાર કરેલું ગુણકારી દહીં!
7. ફરીથી દહીં જમાવવા માટે આ જ દહીંને વાપરતા પહેલાં, એમાંથી બે ચમચી જેટલું દહીંનું મેળવણ એક નાની વાડકીમાં કાઢીને ફ્રીઝમાં અલગથી રાખી દેવું.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો:ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…

