Lifestyle: મૂળા લસણની ચટણી …શિયાળા (Winter)માં જમણનો સ્વાદ વધારવા માટે લોકો ભાત-ભાતના પ્રયોગો કરતા હોય છે અને એમાં વધારો કરશે આજની રેસિપી…આ તીખી તમતમતી ચટણીનો સ્વાદ તમે ભૂલી નહિં શકો! રોટલી હોય કે પરોઠા, તમામ સાથે એને ખાવાથી લિજ્જત આવે છે અને જમણનો સ્વાદ વધારે છે!
જો તમે પણ તીખું (Spicy Food)ખાવાના શોખીન છો તો, આ તીખી તમતમતી મૂળા લસણ ની ચટણી (Moola Lasan ni Chatni)ને અચૂક બનાવો અને એની મજા માણો. ઠંડીના દિવસોમાં લોકો તીખું ખાવાનું વધુ પસંદ કરે છે. લંચ કે ડિનરમાં આ ચટણી મળી જાય તો મજા પડી જાય! આ સંજાગોમાં જો તમને તીખી લસણની ચટણી (Lasan Chatni)માં કોઇ ટિ્વસ્ટ આપવો હોય તો તમે આ મૂળા લસણની ચટણી ઘરે આસાનીથી બનાવી શકો છો. વાસ્તવમાં એનો તીખો, ખાટો અને નમકીન સ્વાદ દાઢે વળગે એવો હોય છે!

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મૂળા લસણની ચટણી રેસિપી
મૂળા લસણની ચટણી સ્વાદની સાથોસાથ હૅલ્થ માટે પણ ફાયદાકારક છે. મૂળામાં વિટામિન , ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જેથી પાચન બહેતર બને છે. આ ઉપરાંત, ઇમ્યુનિટી પણ બુસ્ટ કરે છે. જ્યારે લસણમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણોને લીધે લસણનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
જો જમવાની થાળીમાં સાથે ચટણી કે અથાણા પીરસવામાં આવે તો ભોજનની લહેજત (Taste)ઓર વધી જાય છે. જો તમે તીખું, મરચાવાળું કે પછી મસાલેદાર વાનગી ખાવાના શોખીન છો તો, આ રીતે મૂળા લસણની ચટણી બનાવીને એની મજા માણી શકો છો. અહિં અમે તમને મૂળા લસણની ચટણીની સરળ રેસિપી (Recipe) બતાવવા જઇ રહ્યાં છીએ. એને બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

શી રીતે બનાવશો મૂળા લસણની ચટણી? આ રહી રેસિપી…
સામગ્રી
1 તાજો મૂળો
7 થી 8 લસણની કળી
2 થી 3 લીલા મરચાં
1 ઇંચ આદુનો ટુકડો
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી લાલ મરચું
1 લીંબુનો રસ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક તાજા મૂળા (Radish)ને સારી રીતે ધોઇને નાના ટુકડાઓમાં સમારી લો.
2. હવે મૂળા, લસણની કળી, લીલા મરચાં, આદુ અને મીઠું (Salt) મિક્સ કરીને મિક્સરમાં એ તમામ સામગ્રીની પેસ્ટ બનાવી લો.
3. જો તમે વધુ તીખું ખાવાના શોખીન હો તો એમાં લાલ મરચું અને સહેજ સંચળ પણ ઉમેરી શકો છો.
4. અંતમાં લીંબુનો રસ (Lemon Juice) ઉમેરી દો, એનાથી ચટણીમાં સહેજ ખટાશ આવી જશે.
5. તૈયાર છે તમારી મૂળા લસણની તીખી તમતમતી ચટણી…જેને તમે કોઇ પણ ભોજન સાથે સર્વ કરી શકો છો.
મૂળા લસણની ચટણીને શી રીતે સ્ટોર કરશો?
ચટાકેદાર તીખી તમતમતી, મૂળા લસણની ચટણી સર્વ કરવા માટે તૈયાર છે! આ ચટણીને કાચના એક હવાચુસ્ત જાર (Airtight Container)માં સ્ટોર કરીને તમે એને દિવસો સુધી ઉપયોગમાં લઇ શકો છો. આ સ્વાદિષ્ટ મૂળા લસણની ચટણીને તમે રોટલી, પરોઠા, ઢોંસા, વડાપાઉં કે પછી ખીચડી અથવા દાળ-ભાતની સાથે ખાઇ શકો છો. લસણ ફોલવાની મહેનતને બાદ કરતાં, ફક્ત 10 જ મિનિટમાં તમે આ ચટણીને બનાવી શકો છો જે, તમારી ભોજનની થાળીના સ્વાદમાં અનેકગણો વધારો કરશે!
આ પણ વાંચો: ઘઉંના લોટમાંથી બનતા કુરકુરા, ખસ્તા નાસ્તા આટા પોકેટ્સની રેસિપી…મજેદાર બ્રેકફાસ્ટ..!
આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!

