ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શ્રમ રોજગાર વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં નવનિયુકત ૧૩૦૦ જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ થયા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, યુવાનોને રોજગાર અવસર મળતા નથી તેવું કહેનારાઓ ગુજરાતની તૂલના અન્ય રાજ્યોના રોજગારીના આંકડા સાથે કરે તો ગુજરાતમાં અન્ય રાજ્યોની સાપેક્ષમાં કેટલી રોજગારી મળી રહી છે તેનો ખ્યાલ આવી જશે.
મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને યાતાયાત માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોંચીંગ કરતાં કહ્યું કે, જ્યારે કલાયમેટ ચેન્જ વિષય વિશે લોકો ઓછું જાણતા હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો. આપણે પણ એ જ પગલે ચાલીને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના પાંચ જેટલા શ્રમિકોને ઇ-વ્હીકલ ખરીદી માટેની સબસિડીના ચેક પણ અર્પણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, કોરોનાએ આપણને પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું છે અને લોકો વધુને વધુ વૃક્ષો પોતાના વિસ્તારોમાં, ઘરના આંગણમાં વાવતા થયા છે. હવે, આ ઇલેકટ્રીક વ્હીકલના ઉપયોગથી પણ કાર્બન ઉત્સર્જન અટકાવી પર્યાવરણ રક્ષા પણ કરી શકાશે.
શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ નવનિયુકત સુપરવાઇઝર્સ અને ઇન્સ્ટ્રક્ટરને શુભેચ્છા પાઠવતા જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રમ એવ જયતે’ના સૂત્રને સાકાર કરવા માટે યુવાનોને આધુનિક સમય મુજબની તાલીમ તેમજ સમયની માગ અનુસાર કૌશલ્યબધ્ધ તાલીમ મળી રહે એ માટે રાજયમા કાર્યરત આઈ.ટી.આઈને પ્રોત્સાહિત કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે તે સૌને નવી દિશા ચીંધશે.
