કાયદો/ આંધ્રપ્રદેશના CMએ ત્રણ રાજધાનીનો કાયદો પરત ખેચ્યો

આંધ્રપ્રદેશની જગનમોહન સરકારે વિવાદાસ્પદ ‘આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ, 2020’ પાછો ખેંચી લીધો છે.

Top Stories India

આંધ્રપ્રદેશની જગનમોહન સરકારે સોમવારે વિવાદાસ્પદ ‘આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અધિનિયમ, 2020’ પાછો ખેંચી લીધો છે. મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે લોકોના વિશાળ હિતોની સુરક્ષા માટે 2020 એક્ટને રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકાર “વ્યાપક, સંપૂર્ણ અને વધુ સારું” વિકેન્દ્રીકરણ બિલ લાવશે.

આ કાયદો રાજ્ય માટે ત્રણ રાજધાનીઓની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યો હતો. અગાઉના TDP શાસનમાં, અમરાવતીને રાજધાની તરીકે વિકસાવવાની યોજના હતી. અમરાવતીમાં નવી રાજધાની બનાવવી એ ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. નાયડુ જ્યારે સીએમ હતા ત્યારે તેઓ કહેતા હતા કે તેઓ અમરાવતીને એવું મોડેલ કેપિટલ બનાવશે કે જેનાથી દેશના અન્ય રાજ્યો પણ પ્રેરણા લેશે. રાજધાની 2024 સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત થવાની અપેક્ષા હતી.

જ્યારે 2019 માં YSR કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી અને જગનમોહન રેડ્ડી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે તેમણે અમરાવતીમાં એક મહત્વાકાંક્ષી વિશ્વ-કક્ષાની રાજધાની શહેર બનાવવા માટે અગાઉની સરકારના નિર્ણયને ઉલટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન રાજધાની અમરાવતી વિજયવાડા અને ગુંટુર વચ્ચે આવેલી છે. આ માટે તેલુગુ દેશમ પાર્ટીની સરકારે લેન્ડ-પુલિંગ સ્કીમ દ્વારા 29 ગામોમાંથી 33,000 એકર ખેતીની જમીન સંપાદિત કરી હતી. બદલામાં, તેમણે ગ્રામજનોને આર્થિક વળતર આપવા ઉપરાંત, વિકસિત પ્લોટ આપવાનું પણ વચન આપ્યું હતું.

સરકાર અમરાવતીને એકમાત્ર રાજધાની તરીકે રાખશે કે કેમ તે સ્પષ્ટ નથી. મુખ્યમંત્રીએ તેમના સમગ્ર સંબોધનમાં તમામ ક્ષેત્રોના સમાન વિકાસ માટે વિકેન્દ્રીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ નવું બિલ રજૂ કરવા માટે કોઈ સમય મર્યાદા પણ નક્કી કરી નથી.