પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ઓપરેશન સ્નો લેપર્ડ દરમિયાન ચીની સૈનિકો સાથે લડતા લડતા શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્નલ સંતોષ બાબુની માતા અને પત્નીને આ એવોર્ડ આપ્યો હતો. સંતોષ બાબુ સાથે, નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાઈક દીપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહ, જેઓ આ ઓપરેશનનો ભાગ હતા, તેમને પણ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગત વર્ષે જૂનમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પૂર્વી લદ્દાખમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સરહદ પર હાજર કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સંતોષ બાબુએ ચીની સૈનિકોને પાછા જવા કહ્યું પરંતુ ચીની સૈનિકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
નાયબ સુબેદાર નુદુરામ સોરેને ગત વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં દુશ્મનની સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો. દુશ્મનો સામે લડત લેતા, નાયબ સુબેદાર સોરેને પોતાનો જીવ રેડી દીધો હતો. નુદુરામ સોરેનને પણ મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્નીને આ સન્માન આપ્યું છે.
ચીની સૈનિકોના પથ્થરમારા બાદ પણ કર્નલ સંતોષ બાબુ અડગ રહ્યા અને ચીની સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. આ ઘટનામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, આ ઘટનામાં ચીનના 40 સૈનિકો માર્યા ગયા હતા, જોકે ચીને માત્ર 4 થી 5 સૈનિકોના મોતની પુષ્ટિ કરી હતી.
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વિવેક આર ચૌધરી, નેવી ચીફ કે વાઇસ એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને મેડલ આપ્યો. આ સાથે આર્મી સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ રાજીવ સિરોહીને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ આપવામાં આવ્યો હતો.
