કોંગ્રેસનું મોવડીમંડળ હારની પરંપરામાં કોઈ બોધપાઠ ન લઈ પક્ષને એક હતી કોંગ્રેસના માર્ગે તો નથી ધકેલી રહ્યું ને ? નિષ્ણાતોમાં ચર્ચાઓ સવાલ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો શરમજનક ધબડકો અને રાજ્યમાં કોંગ્રેસના અસ્તિત્વ પર ઉભો થયેલો ખતરો તેમજ જી-૨૩ના નામે ઓળખાતા અને કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણીની માંગ સાથે સૌપ્રથમ પત્ર લખનારા કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં પક્ષના મોવડીઓને કોંગ્રેસને પતનના માર્ગેથી બચાવી લેવા જે સૂચનો કર્યા અને કેટલી બાબતો કરવી જોઈએ. કેટલી બાબત ન કરવી જોઈએ તેના જે સૂચનો કર્યા તેની કોઈ અસર કોંગ્રેસના મોવડીમંડળ પર થઈ હોય તેવા કોઈ લક્ષણો હાલના તબક્કે તો આ પાર્ટી પર જણાતા નથી. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર વેગીલો બની રહ્યો છે. ભાજપે પોતાના સ્ટારપ્રચારકોની યાદી જાહેર કર્યા બાદ હવે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યો માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે તેમાં જી-૨૩ સાથે જોડાયેલા કે આના એક હિસ્સા સમા નેતાઓની બાદબાકી કરી છે. તેમને સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં સ્થાન અપાયું નથી.

જી-૨૩ તે અસરકારક ટીમ છે. સારા વક્તાઓ પણ છે. જી-૨૩ના નામે ઓળખાતા આ નેતાઓએ જ્યારથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીને પત્ર લખ્યો અને અખબારોએ આ પત્ર છાપ્યો ત્યારબાદ મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ તેની આકરી ટીકા રાહુલ ગાંધી સહિતના કેટલાક નેતાઓએ કરી. ત્યારબાદ કપીલ સીબ્બલે પણ બેથી વધુ વખત કોંગ્રેસને બચાવી લેવા સૂચનો કર્યા. ગુલામનબી આઝાદ તો પોતાની સ્ટાઈલથી બોલતા જ રહ્યાં હવે આ નેતાઓની લીગલ સેલ અને પ્રચાર સેલ સહિતના સ્થળોએતી તો બાદબાકી જ થઈ. ટૂંકમાં કોંગ્રેસના શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની આગેવાની હેટળના શીર્ષસ્થ મોવડીમંડળે આ નેતાઓથી અંતર રાખવાનું નક્કી કર્યું હોય તેમ તેમની સામે એક હરફ પણ ઉચ્ચારવાથી દૂર રહ્યા હોય તેવી સ્થિતિ સર્જી દીધી છે.

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડીચેરી સહિત જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેની જે યાદી જાહેર થઈ. સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસના વચગાળાના કે કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી – વાડ્રા, પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, સચીન પાયલટ, નવજાેતસિંહ સિધ્ધુ, અભીજીત મુખરજી (પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર), મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોત, કેપ્ટન અમરીન્દ્ર સિંઘ, ભુપેશ બધેલ, કમલનાથ, અધીર રંજન ચૌધરી, બી.કે. હરિપ્રસાદ, સલમાન ખુર્શીદ, રણદીપ સૂરજેવાલા, જતિન પ્રસાદ, આરવી.એન સિંહ, અબ્દુલ મન્નાન, પ્રદીપ ભટ્ટાચાર્ય, દીપાદાસ મુનશી, એ.એચ. ખાન ચૌધરી સહિતના નામો છે.

પરંતુ આ યાદીમાં ગુલામનબી આઝાદ, કપિલ સીબ્બલ, આનંદ શર્મા, રાજ બબ્બર, મીલીંદ દેવડા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિંદર સિંઘ હુડ્ડા, મનીષ તિવારી, વીરપ્પા મોઈલી, પી.જી. કુરિયન, સંદીપ દિક્ષીતનું નામ નથી. કોને સ્ટાર પ્રચારક બનાવવા ન બનાવવા તે કોંગ્રેસનો આંતરિક મામલો કહેાય. આ એ જ આગેવાનો છે જેમણે પક્ષને મજબૂત બનાવવા માટે કોઈ કચાશ છોડી નથી. આ એ જ આગેવાનો છે જેમણે કોંગ્રેસે સાર્થક રીતે પણ મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવી છે. કોંગ્રેસને મળેલા ૧૪૦ કરોડના ડોનેશન અંગે થોડા સમય પહેલા જે વિગતો જાહેર થઈ તે વખતે તેમાં સૌથી વધુ રૂા. ૩ કરોડનું વ્યક્તિગત ડોનેશન આપનારા ધારાશાસ્ત્રી કપીલ સીબ્બલ હતાં. કપીલ સીબ્બલ એક એવા નેતા છે કે જે કાયદાના ખાં ગણાય છે. કોંગ્રેસ પક્ષના અનેક નેતાઓના કેસ તેમણે અસરકારક રીતે દલિલો કરી – કાનૂની જોગવાઈનાં ઉલ્લેખ કરીને જીતી બતાવ્યા છે.

રાજકીય નિરીક્ષકો આ બાબતને બે દૃષ્ટિએ જુએ છે. સ્ટાર પ્રચારકની યાદી માત્ર પશ્ચિમ બંગાળ પૂરતી છે. અન્ય યાદી હવે જાહેર થશે પરંતુ આ યાદીમાં જી-૨૩ નામે ઓળખાતા નેતાઓ પૈકી કોઈનું નામ નથી. તેનો સીધો સાદો અને સરળ અર્થ એવો જ થઈ શકે કે કોંગ્રેસના મોવડીઓ આ નેતાઓને અલગ જૂથ તરીકે અને તેમાંય ખાસ કરીને ગાંધી પરિવારના વિરોધી જૂથ તરીકે મૂલવે છે. કોંગેસમાં શીર્ષસ્થ કક્ષાએ પણ એકથી વધુ જૂથો અસ્તિત્વમાં છે તેનો આ જીવંત પૂરાવો કહી શકાય તેમ છે. હવે કોંગ્રેસની ટોચની નેતાગારીને પણ જૂથબંધીરૂપી કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તો પછી હવે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ જુથબંધી ન હોય તો જ સૌને આશ્ચર્ય થાય.
![]()
૨૦૧૪ની ચૂંટણી બાદ બે-ત્રણ અપવાદો જ એવા હશે જેમાં કોંગ્રેસે પરાજય જોયો ન હોય. મહારાષ્ટ્ર, બંગાળ, યુ.પી., બિહાર સહિત ૧૦ જેટલાં રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ ત્રીજા કે ચોથા સ્થાને ધકેલાઈ ગઈ છે. ભૂતકાળમાં જે કોંગ્રેસના ગઢ ગણાતા તે રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણામાં કોંગ્રેસ લગભગ અસ્તિત્વ ગુમાવવાના આરે છે. કેરળમાં વિપક્ષે રહેવા માટે પણ અન્ય સાત સ્થાનિક પક્ષોના સહારે રહેવું પડ્યું છે.

કેરળમાં કોંગ્રેસ ડાબેરી પક્ષોની સામે લડે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને ડાબેરીઓની સાથે ગઠબંધન કરવાની ફરજ પડી છે. તમીલનાડુમાં તો કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની હોય પરંતુ તેમાં તેને ડીએમકેના સહારે રહી કે આંગળી પકડીને અસ્તિત્વ ટકાવવું પડે તેવી હાલત છે. ભૂતકાળમાં આ જ કોંગ્રેસે અન્ના ડીએમકેના સહારે પણ સમય પસાર કરવો પડ્યો હતો. ઈશાન પૂર્વ અને પૂર્વના રાજ્યોમાં કોંગ્રેસનું અસ્તિત્વ છે કે નહિ તે મોટો સવાલ છે. જ્યારે જ્યાં વર્ષો સુધી શાસન કર્યું છે તે દિલ્હીમાં તો ૨૦૧૪ બાદ લોકસભાની બે અને વિધાનસભાની બે ચૂંટણી યોજાઈ ગઈ તેમાં કોંગ્રેસનું ખાતું જ ખૂલ્યું નથી. માત્ર પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસનું એકલાનું શાસન છે. બાકી મહારાષ્ટ્રમાં તે સત્તાધારી ગઠબંધન મહારાષ્ટ્ર અઘાડીમાં શીવસેના અને એનસીપી સાથે ભાગીદાર પક્ષ તરીકે છે. જ્યારે ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના જોડાણનો ભાગીદાર પક્ષ છે. જ્યારે મધ્યપ્રદેશ, ગુજરાત સહિત છ રાજ્યોમાં જ કોંગ્રેસ વિપક્ષમાં છે. બાકી ઘણા રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ પણ નથી. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ગણાતા ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ૪૦૦ની સભ્યસંખ્યા ધરાવતી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં માત્ર સાતની સભ્ય સંખ્યા ધરાવતો પક્ષ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો આવ્યા અને સુરત મહાનગર અને પંચમહાલ જિલ્લા પંચાયત અને મોરબી સહિત ત્રણ નગરપાલિકાઓ અને ૨૩૧ પૈકી ૧૨ જેટલી તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું ખાતુ પણ ન ખૂલ્યું તે બાબત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ તરીકે હશે કે નહિ તેવી શંકા ઉભી કરી દીધી છે.
